પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
 
પૃથ્વી ઉપર પગ
 

યુદ્ધો નવનવા શબ્દો ઉપજાવે છે. બીજા વિશ્વયુદ્ધે ‘રેશન’ શબ્દ, હિન્દુસ્તાનને આપ્યો અને એની સાથે જોડાયેલી હાડમારીની, લુચ્ચાઈની, નફાખોરીની અને નવા નવા ગુનાઓની ભાવના ભેગી વહેંચીને વાપરવાની અને હારબંધ વહેંચણીમાં ઊભા રહેવાની ભાવના પણ ભારતવાસીઓને બતાવી ખરી - અલબત્ત એમાં પ્રધાનો, ઉપપ્રધાનો અને ઉચ્ચ સરકારી અમલદારો તથા ધનિકોનો સમાવેશ થતો નથી, કારણ જરૂરની વસ્તુઓ મેળવવા માટે તેમની પાસે બીજા કેટલાય માર્ગો હોય છે. પરંતુ જનતાનો મોટો સામાન્ય ભાગ તો રેશનથી - વસ્તુઓની માપબંધીથી હવે ટેવાઈ ગયો છે.

આવી એક અનાજ, ખાંડ, કરિયાણું. ઘી તથા ઘાસલેટ વેચનારી પરવાનાવાળી દુકાને ગ્રાહકોની હઠ જામી હતી. ગ્રાહકોમાં બાળકો, યુવાનો અને વૃદ્ધ પણ હોય જ; અને એમાં પાછાં સ્ત્રીપુરુષો પણ હોય જ ! ગ્રાહકોની બૂમાબૂમ ચાલતી હોય, સહુને જ ઉતાવળ હોય, અંદર અંદર વાતો પણ ચાલતી હોય અને પોતાની ધારણા પ્રમાણે વેચનાર તથા ખરીદનારથી ઉતાવળ ન થતી હોવાથી ફરિયાદ, અસંતોષ અને ઝગડાની પ્રાથમિક અવસ્થાય સતત ચાલુ જ હોય. દુકાનદાર અને તેના માણસો સતત ગભરાટમાં જ રહેતા હોય. વ્યવસ્થાબદ્ધ વસ્તુઓ આપતી-લેતી દુકાન કરતાં સટ્ટાબજારનો એક નાનકડો ટુકડો લાવી ત્યાં મૂકવામાં આવ્યો હોય એનો ભાસ આપતી માપબંધીની એક દુકાને આવી ભીડમાં પોતાનો વારો આવતાં સરલા કાંઈ વસ્તુઓ ખરીદવા ઊભી હતી. પોતાને જોઈતી બેચાર વસ્તુઓ દુકાનદારને બતાવી તેણે પોતાના હાથ પાછા લીધા. અને એક ક્ષણમાં તેને લાગ્યું કે તેના હાથના કાંડા ઉપર કોઈનો હાથ કળથી અને બળથી ફરતો હતો - બંગડી કાઢવા !

આસપાસ ભીડ એટલી બધી હતી કે સરલાથી પાછળ ઝડપથી જોઈ શકાય એમ ન હતું. એણે પોતે જ બળપૂર્વક ફરતા હાથને પકડી લીધો અને એટલામાં જ બેચાર માણસોએ હાથ ફેરવતા માણસના કૃત્યને જોઈ બૂમ પાડી :