પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪: ત્રિશંકુ
 

ભૂતિયા ઘરમાં નિવાસ શોધી ચૂકેલી સરલાને લોકો પિછાનતા હતા. સહુની મુશ્કેલીમાં ઊભા રહેવાની સરલાની ટેવ હજી ચાલુ જ હતી. અને આ બાજુના ગરીબ લત્તામાં રોજ કાંઈ ને કાંઈ મુશ્કેલી આવ્યા વગર રહેતી જ નહિ. એટલે સરલા થોડા સમયમાં પણ આ ભાગની વસતિને પ્રિય થઈ પડી હતી. અને સહુ તેને ઓળખતાં પણ ખરાં. સરલા ચોર જેવા ચોરને ચોરી કરતાં પકડાયેલા માણસને પણ બચાવવા મથશે જ, એવી ખાતરીમાં પડેલા કોઈએ જરા હસીને જવાબ પણ આપ્યો :

'અરે, ચોરને તે કેમ છોડાય ?'

'અરે ભાઈ ! એ ચોર ન હોય.' સરલાએ કહ્યું.

'સરલાબહેન ! તમારી દયા અહીં નહિ ચાલે.' બીજાએ કહ્યું.

'એણે કર્યું છે શું ?’ સરલાએ પ્રશ્ન કર્યો.

‘તમારી જ બંગડી ખેંચી.... અને તમે પૂછો છો એણે શું કર્યું? એને તો પૂરો જ કરો !' ત્રીજા માણસે જવાબ આપ્યો.

'આ બાઈ પડોશમાં આવી છે ત્યારની દયા આસપાસ ઊભરાઈ ગઈ છે ! બંગડી ખેંચનાર ઉપર દયા કેવી ?'

‘પણ એને મારી બંગડી ખેંચવાનો અધિકાર છે, ભાઈ !' સરલા બોલી ઊઠી.

'અરે, બંગડી ખેંચવાનો તે કોઈને અધિકાર હોય ? ભલે ભૂખે મરતો હોય છતાં !' એક નીતિમાન પૂજક બોલી ઊઠ્યો.

'હા, હા ! કેમ નહિ ?... પતિને... ધણીને... વરને તો એ અધિકાર ખરો ને ?' સરલાથી બોલ્યા વગર રહેવાયું નહિ. એટલું ન બોલત તો ઉશ્કેરાયલું ટોળું કિશોર ઉપર તૂટી જ પડત. અને કલ્પનામાં પણ લાવી ન શકાય એવું પરિણામ આવત.

સરલાનો બોલ સાંભળી લોકો ચમક્યા અને ખસી ગયા. ખસતે ખસતે એકાદ જણે જ ખાતરી કરવા પ્રશ્ન કર્યો :

‘તો... આ તમારો વર છે શું?'

'હા... તમે બધા ખસી જાઓ તો હું એમને ઘેર લઈ જાઉં !' સરલાએ સ્પષ્ટતાથી કહ્યું.

લોકોના ટોળાને બહુ સમજ ન પડી... છતાં લોકોએ ઝડપથી ખસવા માંડ્યું. કિશોરને જેમણે પકડી રાખ્યો હતો. તેમણે પોતાની પકડો છોડી દીધી; હાથ કિશોરનો ન છોડ્યો માત્ર સરલાએ ! હાથ છોડાવવાની શક્તિ કે ભાન કિશોરમાં ન હતાં સરલા કિશોરનો હાથ ઝાલી ટોળામાંથી