પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫: ત્રિશંકુ
 

બહાર નીકળી આગળ ચાલી. પતિનો હાથ આમ પકડીને કોઈ પત્ની ચાલે તો તે હજી કેટલાંક વર્તુળોમાં ટીકા પાત્ર બને છે, અને એ ટીકા ખાસ કરીને સ્ત્રીવર્ગની જ હોય છે ! એક સ્ત્રીથી રહેવાયું નહિ એટલે તેણે ટીકા ફેંકી:

‘આમ ભર રસ્તા વચ્ચે હાથની પકડાપકડી તે થાય ?.. સેંકડો લોકોના દેખતાં ?'

‘અરે બાઈ ! તને ખબર નથી !... કાંઈ ઝઘડો હશે... કે પછી એ ધણી ઘરથી કંટાળી નાસી ગયો હશે !' બીજી સ્ત્રીએ દૃશ્યની પાછળ છુપાયેલું એક કારણ આપ્યું. તેને સમજાયું એવું !

‘ટોળામાં એક જાણકાર પુરુષ પણ હતો. એણે આ ટીકા અંગે વધારે માહિતી આપતાં કહ્યું :

‘હું જાણું છું. મને પૂછો ને ? એ તો હમણાં જ કેદમાંથી છૂટીને આવેલા છે !' કિશોરના ઉપકાર નીચે આવેલો કોઈ માણસ ટોળામાં હાજર હોય એ અશક્ય ન હતું !

વિચાર કરતું. વાત કરતું વેરાતું ટોળું છોડી કિશોરનો હાથ પકડી સરલા ઘર તરફ આગળ વધી. રસ્તાની એક બાજુએ એકાંત હતું. એકાંતે કિશોરના માનસને જાગૃત કર્યું. જે ઘેર જવું ન હતું તે ઘર તરફ સરલા કિશોરને લગભગ ઘસડતી હતી. એકાંત, જોઈ કિશોરે કહ્યું :

'સરલા ! મારો હાથ છોડી દે.'

‘તમે ભલે મારો હાથ છોડો ... હું તમારો હાથ કેમ છોડી શકું ?' સરલાએ કહ્યું.

‘સરલા ! તને શરમ ન આવી મને પતિ તરીકે ઓળખાવતાં ?'

‘શા માટે મને શરમ આવે ? તમે પતિ હો પછી ?'

'ચોર-ડાકુ તરીકે કેદ ભોગવી આવેલા માનવીને...' બોલતાં બોલતાં પહેલી જ વાર કિશોરની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, અને તેનો કંઠ રુંધાઈ ગયો.

‘હવે બધી વાત ઘેર જઈને કરીશું... ઘર પાસે જ છે... પેલું રહ્યું !'

હાથમાં આવેલા પતિને જેમ બને તેમ વહેલો ઘરભેગો કરવાની લાલસામાં સરલાએ દૂરથી ઘર બતાવ્યું... અને કિશોરે તે જોયું પણ ખરું ! એકાએક કિશોર ઊભો રહ્યો અને અત્યંત દર્દ સાથે તે બોલી ઊઠ્યો :

'સરલા ! તને બંગલાઓમાં રાખવાની હોંશ હતી. એને બદલે આ ઘર ?... સરલા ! મારે એ ઘરમાં નથી આવવું !'

‘તો પછી ક્યાં જશો ?'