પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭ : ત્રિશંકુ
 


'જે હશે તે... સરલા ! મારી ભૂલ થઈ; સાધુ જ સાચા હતા.'

'પાછી ભૂલ શી થઈ ?'

'ભૂલ એક ભારે થઈ !... તારે હાથે તો... મેં તને પહેરાવેલી બંગડીઓ છે...' કિશોરે ભૂલ દર્શાવી. પરંતુ સરલાને એમાં કાંઈ ભૂલ સમજાઈ નહિ. એટલે એણે સ્વાભાવિક જવાબ વાળ્યો :

'તે એમ જ હોય ને? માટે તો મેં પહેરી રાખી છે !'

'મને ભ્રમ ઊપજ્યો, સરલા !'

'શો ભ્રમ ?'

'કહું?... મારા મનમાં એમ હતું કે કાલે સાંજે જગજીવન શેઠે તને આપેલી બંગડી તેં પહેરી હશે... માટે મેં બંગડી ખેંચી !'

'એમ?... તમને જે ભ્રમ થાય તે ખરો !.. ઘણું ઘણું માન્યું હતું... ધાર્યું હતું પણ તમને મારા ઉપર આ શંકા ઉપજશે એમ નહિ ઘારેલું... સ્વપ્ને પણ નહિ !' કહેતાં કહેતાં સરલાએ કિશોરનો પકડેલો હાથ છોડી દીધો.

'રીસ ચઢી, સરલા ?.... પણ કહે તો ખરી કે તે શું કર્યું એ બંગડીઓનું ?' હજી કિશોરના ભ્રમનો પડછાયો કિશોરની આસપાસ ભમતો હતો !

‘ત્યારે તમે કાલે જે બન્યું તે જોતા હતા... ગમે ત્યાંથી ! ઘરમાં બારીઓ કરતાં કાણાં વધારે છે... એટલે !' સરલાએ વક્ર આંખ કરી કહ્યું.

'એમ જ. સરલા !'

‘ત્યારે તમે ઘરમાં આવ્યા કેમ નહિ ?....મને બચાવવા ખાતર પણ ! ... અમારું પૂરું પ્રદર્શન જોવું હતું ને?'

‘બંગડી શેઠે તારી પાસે મૂકી અને એ દૃશ્યે મારા હૃદયમાં ઝેર જગાડ્યું... હું આવતો જ હતો ઘરમાં... પણ શેઠ ચીસો પાડતા સામે દોડતા આવ્યા ! અને ગુસ્સે થયેલો હું ભાગ્યો !....વેર લેવાની યુક્તિ રચવા !'

'શેઠે ચીસો કેમ પાડી ? એ ભાગ્યા કેમ ?' એનો તો વિચાર કરવો હતો ? મેં બંગડીને હાથ પણ અડાડ્યો હોત તો શેઠ ઘરમાંથી ભાગત ખરા ?'

'હા... એ ખરું... પણ કોણ જાણે કેમ... મને તારા ઉપર જ વેર આવી ગયું !... મને કહે તો ખરી કે એવું શું બન્યું કે જેથી શેઠને બહાર ભાગવું પડ્યું ?'