પૃષ્ઠ:Trishanku.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪: ત્રિશંકુ
 

સાથે મૈત્રી બાંધતો. પરંતુ પત્રની દુનિયામાં શુદ્ધ કવિ કે શુદ્ધ વાર્તાકારની કોઈને ખાસ જરૂર લાગી નહિ. વાર્તા પણ લખી દે, કવિતા પણ લખી દે, રેખાચિત્ર પણ લખી દે, સમાચાર પણ લખી દે અને મહા પ્રશ્નો ઉપર અગ્રલેખની વિચારધારા પણ વહાલી દે એવા સવ્યસાચી સાહિત્યકારની એમાં જરૂર દેખાઈ. મહાધર્મમન્ત્રો પણ આ સાહિત્યકારને સાધ્ય હોવા જોઈએ અને લોકો વાંચીને હસે એવી વર્ણનશૈલી પણ એને સાધ્ય હોવી જોઈએ. બદનક્ષીમાં ફસાયા વગર કેમ નિંદા કરવી, ધ્યાન દોરાય અને જાહેરાતો મળે એવી ટીકાઓ કેમ કરવી, કલ્પિત પ્રશ્નો ઉપજાવી તેમની ચર્ચાઓ તરફ જનતાનું ધ્યાન કેવી રીતે દોરવું, એવી એવી આવડતનો ભંડાર જેની પાસે હોય એને પત્રસૃષ્ટિમાં સ્થાન મળે એવો સંભવ હતો.

એ સંભવ પણ દૂર દૂરનો. પત્રસૃષ્ટિ માગે એવા સવ્યસાચી સાહિત્યકારોનો જુમલો હરેક પત્ર પાસે એટલો મોટો હોય કે તેમાં દર્શનને સ્થાન મળવું ઘણું કઠણ હતું. મોટે ભાગે, મિત્ર તરીકે તેને આવકારતા સાહિત્યકારો, તેનામાં એક ભાવિ હરીફ નિહાળતા હતા. એટલે બની શકે એટલો ગુપ્ત પરંતુ બને એટલો અસરકારક ધક્કો પણ તેને તેઓ મારી દેતા. કિશોરને ત્યાં વધારે રહેવામાં તેને લાગ્યું કે તે ભારણરૂપ બનતો હતો. એટલે એકબે માસમાં કિશોરની પડોશમાં જ મળી ગયેલી ચાલીની ઓરડી તેણે રાખી લીધી, અને કિશોરના કુટુંબ સાથેનો સંબંધ ચાલુ રાખ્યો. પરંતુ તેની લખેલી વાર્તાઓને નિશ્ચિત આવકાર મળતો ન હતો; અને જ્યાં સુધી એ નિશ્ચિત આવકાર મળે નહિ ત્યાં લગી આવકનું પણ નિશ્ચિતપણું સિદ્ધ થતું નહિ. આમ, અનિશ્ચિત આવકવાળાઓને પડતી બધી જ મુશ્કેલીઓનો તેને અનુભવ થતો ચાલ્યો.

દર્શનના હૃદયમાં આ મુશ્કેલીઓએ એક પરિવર્તન ઉપજાવ્યું. જીવનને અને પોતાના સાહિત્યને અત્યંત ગંભીરતાપૂર્વક નિહાળવાની તેને પડેલી ટેવ ઘસાઈ ગઈ અને એક પ્રકારની મસ્ત બેફિકરાઈ તેના સ્વભાવે વિકસાવવા માંડી. મુશ્કેલીઓ સામે હારતો માનવી કાં તો કમરેથી ભાંગી પડે અગર મુશ્કેલીઓને હસી છાતી કાઢી ટટાર ઊભો રહેવા મથે. જીવનની વિષમતાએ દર્શનને ધીમે ધીમે હસતો બનાવ્યો. અને છેક હમણાં જ તેને એક પત્રમાં નોકરી મળી પણ ગઈ. એના પડોશી અને ભાઈના મિત્ર કિશોરને પોતાની પેઢી અંગે કાયમી જાહેરાત આપવાની હતી. જે પત્રને તેણે જાહેરાત આપી તે પત્રના માલિક-તંત્રીને તેણે દર્શનની ભલામણ કરી અને જાહેરાતમાં મળવાની સારી રકમનો વિચાર કરી તંત્રીએ તેને નોકરીમાં રાખી પણ લીધો.