પૃષ્ઠ:Trishanku.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૃથ્વી ઉપર પગઃ ૨૧૪
 


‘મા ! હજી સવારનાં ગયેલાં બન્ને જણ કેમ પાછાં આવ્યા નથી ?'

‘આવશે ! મને કહીને ગયાં છે... આજે કોઈ મિત્રને ત્યાં જમવા જવાનાં છે.' માએ જવાબ આપ્યો.

પરંતુ સંધ્યાસમયે તારા એક સરોવરને તીરે બેઠી હતી - જાણીતી જગાએ; ચંદ્ર ઊગી નીકળ્યો હતો. સરોવરમાં પોયણાં ખીલી રહ્યાં હતાં. એકાંત વ્યાપક હતું. છોકરાં સાથમાં ન હોય તો દર્શન અને તારા કદી કદી અહીં આવી બેસતાં અને અહીંથી ઘર તરફ પાછા વળતાં... આજે... લગ્નને બીજે દિવસે... આજ સરોવરને તટે મળી ઘેર પાછા જવાના બન્ને પરિણીત પ્રેમીઓએ નિશ્ચય કર્યો હતો. તારા વહેલી આવીને બેઠી હતી. દર્શનને અણધારી વાર લાગી. તારાએ વ્યાકુળતા અનુભવી. બેઠી હતી ત્યાંથી ઊભી થઈ એક વૃક્ષને અઢેલીને તે દર્શનનો માર્ગ ચીંધી રહી. એના મનમાં વિચાર આવ્યો :

હજી આવ્યો. નહિ, દર્શન !... એનું કામ જ એવું ! અનિયમિત !.. તે દિવસે અહીં એણે પેલી સાખી કેવી સરસ ઢબે ગાઈ હતી !'

વિચાર આવતાં જ તારાના કંઠમાં એ સાખી ઊકલી આવી. એણે ધીમે ધીમે ગાવા માંડ્યું :

દૂર દૂરની કુંજમાં મોર કરે ટહુકાર;
સખી-ટહુકારમાં જીવવું ! મોંઘા મોર દિદાર !

ન્હાનાલાલની એ હૃદયસ્પર્શી સાખી પૂરી થતાં જ તારાની આંખ ઉપર હાથ પડ્યો, અને તેની આંખો મીંચાઈ ગઈ. આ એકાંત જગામાં પણ એને ખાતરી જ હતી કે સંતાઈ રહેલા દર્શને જ તેની આંખ ઉપર હાથ દબાવ્યો હતો. આંખ ઉપરથી હાથ ખસેડવાનો જરાય પ્રયત્ન કર્યા વગર તારા બોલી ઊઠી. :

‘દર્શન હોત તો દેખાઈ જાય !'

‘અને દર્શન ન હોય તો ?' દર્શનના જ કંઠે પૂછ્યું.

‘તો દર્શનને ધોલ પડશે !' તારાએ કહ્યું. અને તેણે દર્શનનો હાથ પોતાની આંખ ઉપરથી ખસેડી નાખ્યો. દર્શન તેની સામે જ હસતો હસતો ઊભો રહ્યો અને ફરિયાદ કરી :

‘દર્શન ન હોય તોય ધોલ દર્શનને જ પડે, એમ ?. તમને, આજની છોકરીઓને થયું છે શું ?... ધોલ, લપાટ, ઝાપટ !... છે શું?'

'પુરુષો એનું એ જ કરતા હતા ને સ્ત્રીઓ સામે.... આજ સુધી ?' તારાનું સ્ત્રીત્વ પુરુષત્વ સામે ઊછળ્યું.