પૃષ્ઠ:Trishanku.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫ : ત્રિશંકુ
 

 'એટલે એનું પ્રાયશ્ચિત્ત હવે પુરુષોએ કરવાનું... ખરું ને ?... ભલે, આજ સુધી ધોલ મારીને સ્ત્રીઓનો સાથ રાખ્યો... હવે ધોલ ખાઈને પણ...એ સંગાથ ચાલુ જ રાખીશું !... બિચારો પુરુષ !' દર્શને કહ્યું અને તારાનો હાથ પકડી વૃક્ષ પાસેથી તેને સરોવરના તીર ઉપર લઈ ગયો. બન્ને જણાં સાથે જ બેઠાં. પહેલાં કરતાં વધારે નજીક... અડીને !

સહજ શાંત રહી દર્શને કહ્યું :

‘તારા ! જો તે દિવસે તેં મને કુમુદિની અને ચંદ્ર બતાવ્યાં હતાં ને ! ત્યારથી મેં નિશ્ચય કર્યો કે...'

‘અને હજી આજ પણ તને હું એ જ બતાવું છું !... બન્ને... ચંદ્ર અને કુમુદિની ! કેવાં ડાહ્યાં !... દૂર દૂર... એક બીજાને જોઈને હસે, પણ કોઈ કોઈને અડકે જ નહિ...' તારા બોલી.

‘એ ડહાપણમાં તો એ બન્ને ફિક્કાં, નિર્જિવ અને માંદલા બની ગયાં છે !... ખીલતાં ખીલતાં કરમાય ! ઊગતા પહેલાં તો આથમી જાય. !... હું ચંદ્ર હોઉં તો આમ આકાશમાં અધ્ધર લટકવાને બદલે નીચે ઊતરી આવું !' દર્શને જવાબ આપ્યો.

અને તું કુમુદ હો તો ?'

‘હું કુમુદ હોઉં શાનો ?... મારાથી નીચે ઊતરાય એમ ન હોય તો હું કુમુદિનીને ઉપર ખેંચી લઉં... જો... અંહ.. આમ !' કહી દર્શન તારાના હાથને ઊંચકી હૃદય ઉપર મૂક્યો, કે મુખ ઊંચકી પોતાના મુખ પાસે ખેંચ્યું એની ખબર આકાશવાસી ચંદ્ર અને સરવરમાં લહેરાતી કુમુદિની સિવાય બીજા કોઈને પડે એમ હતું જ નહિ.

અને બન્ને ચોરની માફક જરા મોડી રાત્રે આવ્યાં ત્યારે કિશોર અને સરલા જ માત્ર જાગતાં હતાં. બન્ને બાળકો તેમની રાહ જોઈ નિદ્રાવશ થયાં હતાં !

કિશોરને એ રાત્રે નિદ્રા ન આવી.

વેર લેવા પાત્ર માનવજાતમાંથી એ અપવાદ શોધતો હતો... વેર લેવા પાત્ર સંસ્થાઓમાંથી તેને અપવાદ જડતા હતા !

પત્ની ? બહેન ? પુત્ર ? પુત્રી.? મિત્ર?...કોના ઉપર એ વેર લઈ શકે? પતિ, ભાઈ કે પિતા ઉપર..? તો કિશોરને પાછું આ ઘર ક્યાંથી મળત ? જેની આ કક્ષા, તેના ઉપર વેર ન લેવાય !

અને સંસ્થા કઈ ભાંગવી ? તોડવી ? ફોડવી ?

બધીય સંસ્થા !