પૃષ્ઠ:Trishanku.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલીના સૌંદર્યમાંથી : ૧૭
 


'થોડા દિવસમાં.' દર્શને કહ્યું. અને એક ક્ષણભર તેના સ્મિત ભર્યા મુખ ઉપરથી સ્મિત ઊડી ગયું. થોડી ક્ષણ બન્નેએ એકબીજાની સામે જોયું અને દર્શને પોતાના મુખ ઉપર પાછું સ્મિત લાવી મૂક્યું. એ સ્મિતનો સ્મિતથી જવાબ આપવાને બદલે ગંભીર મુખ કરી તારાએ કહ્યું

'સમજી ગઈ.'

'શું સમજ્યાં તમે ?' દર્શને હસતે હસતે પૂછ્યું.

દર્શનની ઓરડીના બારણામાંથી તારાની ભત્રીજી શોભાએ પ્રવેશ કર્યો - દોડતે દોડતે. એની પાછળ નાનકડો અમર પણ દોડતો દોડતો આવ્યો. અનેક સૌન્દર્યક્ષણોને, અનેક ઇચ્છનીય એકાંતોને બાળકો ભૂંસી નાખે છે. એની ખબર તેમને હોતી નથી. પ્રભુના એ પયગંબરોએ કેટકેટલી સ્નેહસમાધિઓ હલાવી નાખી છે.

'ચાલો, ચાલો ! જલદી ચાલો. મા બોલાવે છે.' શોભાએ તારાનો હાથ પકડી કહ્યું.

'મને બોલાવે છે ?' તારાએ કહ્યું. '

'હા.'

'કેમ ?'

'એ તો મને ખબર નથી.' શોભા બોલી. ભાઈભાભીની આજ્ઞા માનવાને ટેવાયેલી તારા દર્શન સામે ક્ષણ બે ક્ષણ નજર નાખી સ્વાભાવિક ઢબે દર્શનની ઓરડી છોડી ગઈ. કૉલેજના અભ્યાસને સામે કિનારે તારી જતી આ નવયૌવના તારાને ઓરડીમાંથી પાછી ફરતી જોઈ દર્શનના હૃદયમાં કવિતા સ્ફુરી આવી ! આંખને ગમે એ સૌન્દર્ય કે સ્વર્ગ હોઈ શકે ખરું ?

દર્શને પોતાના હૃદયમાં જાગતી કવિતાને મુક્કો મારી બેભાન બનાવી દીધી ! ધનહીનના હૃદયમાં કવિતા કેવી ?