પૃષ્ઠ:Trishanku.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
પગની ઠેસ
 


ભાઈ ભાભીની આજ્ઞા માનવા તારા ટેવાઈ ગઈ હતી, કારણ એ બન્નેની માગણી આજ્ઞાના રૂમમાં કદી પ્રગટ થતી નહિ. તારાનું ભણતર હજી ચાલુ જ હતું, અને એ ભણતર પોતાના ભાઈભાભીની કૃપા ઉપર જ નભતું હતું એનો ખ્યાલ પણ તારાને હતો. અને જેમ જેમ તેનું વય વધતું જતું તેમ તેમ તેનું એ ભાન વધારે અને વધારે જાગૃત થતું જતું. દર્શન કિશોરના ઘરમાં મહેમાન હતો ત્યારે અને અત્યારે પડોશી બની રહ્યો હતો ત્યારે પણ તારા દર્શનની પાસે કાંઈ ને કાંઈ શીખતી. કાંઈ ને કાંઈ વાતો કરતી અને તેની પ્રવૃત્તિઓમાં રસ લેતી હતી. અત્યારે દર્શનની ઓરડીમાં આવતાં બરોબર બાળકોને મોકલી તેને બોલાવી લેવામાં આવી એમાં દર્શન સાથેના તેના વ્યવહાર ઉપર રખાતી વડીલોની સાચવણી અને ભાળવણીનું પ્રથમ જ્ઞાન અને ભાન તારાને થયું.

સહજ સંકોચાઈને તારા પોતાની ઓરડીમાં આવી. તેની ભાભી સરલા ચટાઈ ઉપર બેઠે બેઠે કાંઈ કરી રહી હતી, અને તેનો ભાઈ કિશોર આરામખુરશી ઉપર શૂન્ય મનથી બેઠો બેઠો એક સિગારેટની ધૂણીનાં વર્તુલ ઉપજાવી રહ્યો હતો. તારાના હાથમાં પુસ્તક રમતું હતું, અને શોભા તથા અમર પણ હસતાં રમતાં સાથમાં જ હતાં. સરલા શું કરતી હતી ? પૈસાની નાની મોટી ઢગલીઓ ? આ રમત કેવી ? તારાએ સઘળું એકસહ જોઈ પૂછ્યું :

'કેમ ભાભી ? મને કેમ બોલાવી ?'

'જરા બેસો મારી પાસે તમારે પણ ઘર ચલાવતાં શીખવું પડશે ને? આજ નહિ તો બે વર્ષ પછી..જુઓ ! આટલા રૂપિયા ભાડાના; આ દાણાના બિલ પેટે; આ ઘી, દૂધ અને ઘાસલેટના જુદા..... અને આ જુઓ, તારાબહેન ! આ કોને માટે અલગ મૂકતી હોઈશ? કહો જોઈએ ?' સરલાએ રૂપિયાની જુદી જુદી નાનકડી ઢગલીઓ અલગ કરતાં કરતાં કહ્યું.

ભણતરના સ્વતંત્ર દેખાતા આકાશમાં ઊડતી તારાને ગૃહવ્યવસ્થાનો આ વાસ્તવવાદ જરા અટપટો લાગ્યો ખરો. પ્રશ્નનો ઉત્તર આપતાં ગૂંચવાયલી તારાએ જવાબ આપવાની હિંમત કરી કહ્યું :