લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગની ઠેસ :૧૯
 


'કહું, આ રકમનું શું કરશો તે? ભાઈના સૂટની વાત થતી હતી ને? એમાંથી, ભાભી ! ભાઈનો સૂટ થશે !'

સરલા હસી પડી. એણે કહ્યું :

'ખોટાં પડ્યાં, તારાબહેન ! નવા સૂટની આ વર્ષે જરૂર નથી. મેં જૂના સૂટ નવા જેવા બનાવી દીધા છે !'

'ત્યારે ?...આ શોભાને ઓઢણીનું બહુ મન થાય છે. ચાંપલીને ! એમાંથી શોભાની ઓઢણી આવશે.' તારાએ કહ્યું.

'ના, ના, હજી એને ઓઢણીની વાર છે.’

'પછી તો... મને કાંઈ સમજાતું નથી...'

'જૂઓ ! મારે એક નાની સરખી નણંદ છે....'

'મારી વાત કરો છો. હું નાની ?... આવડી મોટી થઈ તોય!' '

'હાસ્તો ! ભણે કોણ? નાનું હોય તે જ ને ?'

'અઢાર-વીસ વર્ષ સુધી ભણનારને નાનું કેમ કહેવાય ?'

'ખરી વાત કહું ?... છોકરા-છોકરી પરણે નહિ ત્યાં સુધી નાનાં જ રહે છે. તમે તો હજી મને આ શોભા જેવડાં જ લાગો છો !'

‘ભલે ! પણ આ રકમને અને મારે શું ?'

'કેમ નહિ ? મેં એક સરસ બ્લાઉઝનું કપડું તમારે માટે જોઈ રાખ્યું છે. આ રકમમાંથી આ મહિને મારી નાની નણંદ માટે કપડું આવશે.' સરલાએ અત્યંત આનંદપૂર્વક તારા સામે જોઈ કહ્યું. તારાને આનંદ જરૂર થયો. પરંતુ એ આનંદ તેણે પોતાના મુખ ઉપર પૂરો પ્રગટ થવા ન દીધો, અને માત્ર સરલા સામે તે જોઈ રહી. સરલાએ એકાએક તેને ગળે હાથ નાખી પોતાની પાસે લીધી અને કહ્યું :

'બીજું કંઈ મન છે, તારાબહેન ?'

'ના, ભાભી !'

‘ત્યારે બોલ્યાં કેમ નહિ કશું?'

'ભાભી! તમને જોઉં છું અને મને મા યાદ આવે છે. તમે મારાં મા જ છો, ભાભી !'

'પરણ્યા પછી એટલું યાદ રાખજો... હમણાં જરૂર નથી. અને જો, અમર ! આમાંથી તારા બૂટને અડધું તળિયું નખાવી લઈશું.' એક રૂપિયો જુદો મૂકતાં સરલાએ કહ્યું.

'નવા બૂટ નહિ, મા?' અમર હજી નવાજૂના શૂટની કિંમત કરે એવડો ન હતો. છતાં એની દ્રષ્ટિમાં નવા બૂટ રમી રહ્યા હતા.