પૃષ્ઠ:Trishanku.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ : ત્રિશંકુ
 


'ના. આ મહિને નહિ... અને શોભા ! તારી નોટબુક અને પેન્સિલ માટે તું બૂમ પાડતી હતી ને ?... આમાંથી એ લઈ આવજે.... છોકરાંનું ભણતર પણ શું મોંધું થતું જાય છે ?...' સરલા બોલી ઊઠી.

'ભાભી ! બી.એ.નું પરિણામ આવતાં બરોબર હું નોકરી શોધી કહાડીશ.' તારાએ કૌટુંબિક આર્થિક સ્થિતિનો ખ્યાલ આવતાં કહ્યું.

'એટલામાં તો તમે પરણી ગયાં હશો.' સરલાએ કહ્યું.

'પરણ્યા પછી નોકરી ન થાય શું ?' તારા બોલી.

'ના, સ્ત્રીઓથી નોકરી ન થાય.'

‘હવે તો સ્ત્રીઓ નોકરી કરવા લાગી છે... પશ્ચિમમાં તો ખાસ !'

'પશ્ચિમના પુરુષો હશે એવા નિર્માલ્ય ! જે ઘરની સ્ત્રીઓને નોકરી કરવી પડે એ ઘરમાં પુરુષો વસતા જ નહિ હોય.' સરલાએ સ્ત્રીપક્ષે સખ્ત કથન ઉચ્ચાર્યું, અને કિશોરની સિગારેટનો ધુમાડો વધી ગયો.

'પણ, મા ! હજી તો આ બીજા પૈસા બચ્યા છે. એનું શું કરીશ ?' શોભા પણ કૌટુંબિક આર્થિક ઘટનામાં રસ લેવા લાગી.

'એટલી પ્રભુની કૃપા ! થોડા પૈસા તો આપણે બચાવવા પડશે ને ? લાવ પેલી આપણા ઘરની બેન્ક !' સરલાએ પુત્રીને જવાબ આપ્યો અને શોભાએ દોડીને એક કબાટ ઉઘાડી એમાંથી નાની કૅશ બૉક્સ' કાઢી. એને ખખડાવતી શોભાએ સરલા પાસે તે મૂકી દીધી. બાકી રહેલી રકમ 'કૅશ બૉક્સ'ના એક બાંકામાંથી નાખવાની તૈયારી કરતાં સરલાએ કહ્યું :

'જુઓ. હવે આમાંથી કોઈને કાંઈ આ મહિને મળશે નહિ.'

'આટલા બધા તો પૈસા ખખડે છે ! એનું શું કરીશ મા ?' શોભાએ પૂછ્યું. પેટીમાં ખખડતા રૂપિયા, આઠ આના, ચાર આનીઓ અને પૈસા શોભાને મન ઘણી ભારે રકમ હતી !

'કહું શું કરીશ તે? આ તારી ફોઈનાં લગ્ન કરવાનાં છે ને !... એમાં મારે રેશમી સાડી પહેરવી પડશે... એ લઈશ આ પેટીમાંથી !' સરલાએ હસતાં હસતાં કહ્યું અને તારાએ મુખ ચઢાવી સરલાની જાંઘ ઉપર એક થપાટ મારી. સ્ત્રીઓને માટે લગ્ન સિવાયનું બીજું કશું ભાવિ જ નહિ શું ? થપાટ ઠીકઠીક લાગી અને હસતી સરલાએ ક્ષણ માટે જાંઘ પંપાળતાં પૈસા પેટીમાં મૂકવાનું મુલતવી રાખ્યું.

એકાએક ઓરડીનું બારણું ખખડ્યું. તારાએ ઊઠીને બારણું ખોલ્યું. ખાખી પોશાક પહેરેલા એક માણસે પ્રવેશ કર્યો અને તારાએ પૂછ્યું :

‘શું છે? ક્યાંથી આવો છો ? કોનું કામ છે ?'