'ડૉક્ટર સાહેબે આ બિલ મોકલ્યું છે.' ખાખી પોશાકધારી માણસે કહ્યું.
'અરે હા ! લાવો ! એ તો હું ભૂલી ગઈ.' સરલાએ કહ્યું, અને તારાએ આવેલા માણસ પાસેથી બિલનું કાગળિયું જોઈ સરલાના હાથમાં મૂકી દીધું. સરલાનું કપાળ સહજ સંકોચાયું, અને પેટીમાં નાખવા ધારેલા પૈસામાંથી થોડા તારાના હાથમાં મૂકી તેણે બિલ લાવેલા માણસને કહ્યું :
'બધા તો નહિ... આ વખતે આટલા લઈ જાઓ... બાકીના આવતે મહિને...'
તારાએ પૈસા લઈ પેલા માણસને આપ્યા. પૂરા પૈસા મળવાની આશા રાખતો ડૉક્ટરનો ઉઘરાણીદાર જરા ખમચ્યો, તારા તથા સરલાની સામે ક્ષણભર જોઈ રહ્યો અને કાંઈ પણ બોલ્યા વગર આપેલા પૈસા લઈ ચાલતો થયો. હજી ડૉક્ટરો પોતાની ઉઘરાણી માટે પઠાણો કે ભૈયા રાખતા થયા નથી, જોકે કેટલીક વાર એ અખતરો અજમાવવાનું ડૉક્ટરોને મન થાય છે ખરું !
તારાએ માણસની પાછળ બારણું પાછું ખાલી બંધ કર્યું અને આવી જરા ઉદાસ ચહેરે ભાભી પાસે બેસી ગઈ.
અંધારું થયું હતું. શોભાએ વીજળીનો દીવો સળગાવ્યો. એક અક્ષર પણ બોલ્યા વગર આરામખુરશી ઉપર બેઠે બેઠે સિગારેટ પૂરી કરી રહેલા કિશોરે જરા ટટાર બની બીજી સિગારેટ કાઢી. અને સળગાવી ન સળગાવવી, એવી કોઈ દ્વિધા-વિચારમાં ગૂંચવાયલા લાગતા કિશોરે અંતે સિગારેટ સળગાવી પોતાની પૂર્વવત્ શૂન્ય સમાધિ ધારણ કરી લીધી. સરલાની નજર કિશોર તરફ વારંવાર ફરતી હતી. એના ધ્યાનમાં કિશોરનું એક પણ હલનચલન આવ્યા વગર રહેતું નહિ. સરલાએ વાણીમાં જરા ઉત્સાહ લાવી પૈસા ગણી જોઈ પેટીમાં નાખવા જતાં કહ્યું :
'ચાલો ! આટલા તો પેટીમાં મુકાશે જ ને ? એટલા બચે તોય બસ !'
કૌટુમ્બિક જીવનમાં ઉત્સાહ પ્રેરવાની પ્રત્યેક ગૃહિણીની વૃત્તિ હોય જ. એ વૃત્તિ ન હોય તો અનેક ઘર ભગ્ન બની રહે; પરંતુ સરલાએ જોયું કે એનાં ઉત્સાહપ્રેરક વાક્યો એ કિશોરના શૈથિલ્યને ચાલુ જ રાખ્યું ! ઉપરાંત એણે કદી નહિ ધારેલો શ્વાસ લેતી તારાને એણે સાંભળી. તારાની સામે જોતાં સરલાને લાગ્યું કે તારાએ લીધેલો ઊંડો શ્વાસ એ નિ:શ્વાસ જ હતો, અને તારાના મુખ ઉપર નિઃશ્વાસને જ યોગ્ય ઉદાસીનતા છવાયલી હતી ! ગૃહિણી જરા ચમકી. કુટુંબ ગુજારો થયા કરતો હતો, જોકે એમાં દર મહિને કાંઈ અને કાંઈ મુશ્કેલી આવતી. જમા પાસું વધારવાના - અરે ઉઘાડવાના