પૃષ્ઠ:Trishanku.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬:ત્રિશંકુ
 

'અને... સરલા! એક વાત પૂછી લઉ.... કોઈ નથી એટલે ?' કિશોરે કહ્યું.

'કોઈ હોય તોય શું? પૂછો ને?' સરલાએ વધારે ઉદારતા દર્શાવી.

'બધાં સામે પુછાય એમ નથી... જો... શોભા અને અમર એ બે આપણાં બાળકો !'

'હં... તે ?... ભણે-ગણે અને સુખી થાય... બીજું શું ?’ સરલાને સમજ ન પડતાં પતિના કથનનો ઉત્તર વાળ્યો.

'એ ભણે-ગણે અને સુખી થાય એવી તારીયે ઈચ્છા અને મારીયે ઇચ્છા.'

'આપણે જીવીએ છીએ એ જ સારું !'

'એ બે માટે જ જો આપણે જીવતાં હોઈએ તો.. સરલા ! હવે ત્રીજું બાળક ન જ હોય તો એ બને !' કિશોર સરલાની સામે જોઈ રહ્યો. સરલા પણ કિશોરની સામે જ જોઈ રહી... વધારે નહિ... ક્ષણ બે ક્ષણ માટે. ચાલીઓમાં, નાનકડી ઓરડીઓમાં તારામૈત્રક લાંબાં ન જ ચાલે ! બન્નેને લાગ્યું કે એકબીજાના દેહમાં હજી સૌન્દર્ય ભરપૂર ભર્યું છે, સૌન્દર્યનો ઉપભોગ એટલે જ પ્રેમ ! પરસ્પરની સંમતિ ભલે એમાં આવશ્યક હોય ! સૌન્દર્યને ઠેશ મારનાર કાં તો યોગી હોય કે કાં અપ્રેમી હોય ! ઉપભોગની લાલસામાં માનવસૌન્દર્ય પણ ક્યાં સુધી લંબાવાતું હશે તે કોણ જાણે ? સરલાએ આંખ ખસેડી લીધી અને કહ્યું :

'કોણે ના કહી ?... અને ના ન હોય તોય... આ મોટાં થતાં છોકરાં અને નાની બનતી ઓરડીઓ વચ્ચે નાનપણની ઘેલછા તો ઘટી જ જાય ને?'

સરલાએ મુખ ખસેડી લીધું ! નગર ચાલીઓમાં પ્રેમને યોગનું સ્વરૂપ ધારણ કરવું પડે છે. કિશોરે પણ મુખ ફેરવી લીધું ! ચન્દ્ર અને સૂર્ય બંનેએ જાણે એકબીજાની લાજ કાઢી ! તારા અર્ધખુલ્લા બારણા પાછળથી વાત સાંભળતી હતી ! છૂપી વાત સાંભળવાનું મહાપાપ એ કરી રહી હતી ! બંને બાળકો રમતિયાળ ફોઈની રાહ જોતાં એની પાછળ જ ઊભાં હતાં. એમને આ વાતરહસ્યની સમજ પડી નહિ. પરંતુ તારાને સમજ પડી ખરી! તેની આંખ એ રહસ્યના સ્પર્શથી જરા મોટી બની ગઈ. ગંભીર મુખ કરી તેણે બંને બાળકો સામે જોયું. અત્યાર સુધી શાંત રહેલી બિલાડીથી હવે વધારે શાંતિ જળવાઈ નહિ. એણે 'મિયાંઉ'નો ઉદ્દગાર કરી પોતાની હાજરી સ્પષ્ટ કરી. સરલાએ અને કિશોરે બંનેએ બારણા તરફ જોયું. ઓરડી બહારના