પૃષ્ઠ:Trishanku.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દોજખમાં વિદ્યુત : ૩૩
 

ચા કરી હોત તો એને આવતી કાલની ચિંતા રહેત નહિ. માનવપ્રાણી સંગ્રહખોરીનો આશ્રય લીધા વગર જીવી શકતો નથી ! પણ સંગ્રહ કરવો ક્યાંથી ! વસ્તુ એક વાર હાથ લાગે પછી એને પકડી જકડી રાખી શકાય, પરંતુ વસ્તુ હાથ કરવાનો જ મોકો ન મળતો હોય ત્યાં શું કરવું ?

બારીનું બારણું ફરી ખખડયું. બારીની ફાટમાંથી ફરી આંખો તગતગવા લાગી.

'સતી તારામતી ફરી આવ્યાં લાગે છે !... આજ દૂધ મળવાનું નથી.'

દર્શને બારણું ખખડાવતી બિલાડીને સંબોધન કર્યું અને ફરી વિચારમાં ઊતરવાની તૈયારી કરી. ત્યાં ફરી વધારે જોરથી મોટું બારણું ખખડ્યું.

'શી બિલ્લીની જાત છે !... એક બારણેથી નહિ તો બીજે બારણેથી... જા, હવે નથી બારણું ખોલતો !' દર્શન બોલી ઊઠ્યો.

પરંતુ દર્શનની ધારણા ખોટી પડી. બિલ્લીને બદલે એણે એક સુંદર સ્ત્રીકંઠ સાંભળ્યો :

'બહુ થયું હવે ! પહેલાં બારણું ખોલો; ગાળો પછી દેજો !'

દર્શન એ સ્ત્રીકંઠમાં તારાના કંઠને ઓળખાવ્યો. એ જરા ગૂંચવાયો. એણે ઝડપથી બારણું ખોલ્યું અને તારાને આવકાર સહ પોતાની ઓરડીમાં લીધી. સંધ્યાકાળ પછીની પ્રાથમિક રાત્રિમાં સ્ત્રીદેહ વધારે સુંદર દેખાતો હશે શું ? દર્શને જરા ચમકવાનો દેખાવ કર્યો અને મુખ ઉપર પાછું પોતાનું સ્મિત ધારણ કરી એણે કહ્યું :

'અરે, તમે છો તારામતી ?... મને શી ખબર પડે બંધ બારણે ?'

'હા રે ! તમને ક્યાં કશી ખબર પડે એમ છે ? ખબર પડી એમ કહો ત્યારે ગાળો તો ન જ દેવાય ને ?' તારાએ દર્શનની સામે ઊભા રહી કહ્યું.

'ગાળો ?'

'હા હા, ગાળો !'

'કોણે... મેં દીધી?'

'હા, તમે દીધી ! હવે ભૂલવાનો દેખાવ ન કરશો.'

'મેં ગાળ દીધી ?... અને તે તમને દીધી ?... આ હું શું સાંભળું છું ?'

'ગાળ નહિ તો બીજું શું ?'

'મેં શી ગાળ દીધી તમને ?'

'તે મને અમસ્તી જ બિલ્લી કહી હશે, ખરું ને?'

‘તારામતી ! હું સમજાવું, સ્પષ્ટ કરું. કેવા સંજોગોમાં...'

'મારે સમજવું નથી અને સંજોગો સ્પષ્ટ પણ કરવા નથી.'