પૃષ્ઠ:Trishanku.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ઃ ત્રિશંકુ
 


'મારે મારી આબરૂ સાચવવી રહી. હું તો આખી સ્ત્રી જાતિનો પૂજક છું. તમારા નિબંધ માટે નારીપ્રતિષ્ઠાની કેટકેટલી દલીલો મેં તમને શોધી આપી હતી ?'

'મને બધી ખબર છે !... પછી તો તમે હસતા હતા... સ્ત્રીઓને પોતાની પ્રતિષ્ઠાનાં જ કારણો જડતાં નથી કહીને !'

‘પછી મને મારી ભૂલ સમજાઈ. પોતાની પ્રતિષ્ઠા, મોટાઈ અને અહંતા યાદ ન રાખનાર સ્ત્રી જાતિ એ જ કારણે પુરુષ કરતાં વધારે મોટી છે.’

'ફરતાં કાંઈ વાર લાગે છે વિદ્વાનોને ?'

'વિદ્વાન ? જવા દોને એ ઉપાધિ !... એક બાબતમાં હું કદી નહિ ફરું.'

'શી બાબતમાં ?'

'સ્ત્રીઓની પૂજનીયતાની બાબતમાં.'

'એનો પુરાવો ?'

'તમારી બિલ્લીને પણ હું તમારા માનવંત નામે બોલાવું છું, એ જ પુરાવો !'

'અને એમ કહીને તમે મને છોકરામાં હસાવો છો ! હું બરાબર જાણું છું. તમે કેવા પૂજક છો તે !'

'તારામતી ! નામની એ એકતામાંથી જ અત્યારની ગૂંચવણ ઊભી થઈ છે. મારું ચાલે તો હવે હું તમારું નામ ફેરવી નાખું... તમને ખબર નહિ હોય, મેં મારા મનમાં તમારાં કેટકેટલાં નામ પાડ્યા છે તે !'

'મારે એ ખબર રાખવી જ નથી... અને આ ચાના પ્યાલા તો ધોયા વગર એમ ને એમ મૂક્યા છે!' કહી તારાએ પ્યાલા ઉઠાવી દર્શનની મજાકને ન ગણકારતાં બન્ને પ્યાલા ધોઈ સાફ કરી ઠેકાણે મૂકી દીધા.

'હું તમારો અને તમારા કુટુંબીજનોનો કેટલો આભાર માનું ?' દર્શન બોલ્યો.

'હવે વિવેક જવા દો ને ! આટલી પરીક્ષા પસાર થઈ જાય પછી... હું તમારી સાથે બોલવાની જ નથી ને !' તારાએ કહ્યું.

‘તમે પરીક્ષા પસાર કરો એ શુભ દિને હું શું કરીશ એ જાણો છો ?'

'કદાચ કાંઈ ભેટ આપશો... ખરું ને ?'

'હા. ભેટ આપીશ. અને ભેટ તરીકે મારા બધા ગુના તમારે ચરણે મૂકીશ.'