પૃષ્ઠ:Trishanku.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ : ત્રિશંકુ
 

દેખાયું નહિ. ગૂંચવાતા અને શરમાતા દર્શને કહ્યું :

'નહિ, નહિ, નહિ, ભાભી ! આમ લીધેલા વ્રત ચૂકવાં ન જોઈએ, અને ચૂકીએ તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. હું આજ રાત્રે નહિ જમું એટલું જ નહિ, પણ આવતી કાલેય નથી જ જમવાનો... હું જાઉં ત્યારે.'

'જઈ બહારનાં કપડાં બદલીને તરત પાછા આવો. સોમવારનું જૂઠાણું બહુ ચાલ્યું... તારાબહેન ! આ દર્શનભાઈ અત્યારે અહીં જ જમશે. થાળીઓ પીરસી દો.' સરલાએ દર્શનની હા-નાને તરછોડી આજ્ઞા આપી.

'મને માફ કરો, સરલાભાભી !' દર્શન આગ્રહ રાખી રહ્યો. પરંતુ સરલાએ તેને છેવટની વાત કહી સંભળાવી :

'તો અમારે તમારે આજથી કટ્ટા ! તમે મારે ત્યાં ન આવશો અને છોકરાં તમારે ત્યાં નહિ આવે ! બસ ?'

'ના, ના, ભાભી! તમને ખોટું લગાડાય જ નહિ. હું તરત પાછો આવું છું... શોભા અને અમર મારે ત્યાં આવે નહિ તો મારાથી જિવાય નહિ. હમણાં પાછો આવ્યો.' કહી દર્શન ફરી પાછો આવવા માટે પોતાની ઓરડીમાં ગયો.

અમર સૂઈ ગયો હતો. તારા અને શોભા બન્ને રસોડામાંથી પરસ્પરની સહાયથી રસોઈની તૈયારી કરતાં હતાં. રસોડામાં થાળી ફરી ખખડી. સરલાએ અને કિશોરે નાનકડી શોભાનો ઠપકો સાંભળ્યો:

'ફોઈ ! આજ કેમ બહુ વાર હાથમાંથી થાળી પડી જાય છે ?'

'જો, શોભા ! મને ફોઈ ફોઈ ના કહીશ. ચાલીમાં અને કૉલેજમાં છોકરીઓ મને ચીડવવા માંડશે. તું મને ફોઈ કહે છે તે મને ગમતું નથી.' તારાએ શોભાના પ્રશ્નનો જુદો જ જવાબ આપ્યો. વર્તમાન યુગના યૌવનને કાકા, મામા, માશી, ફોઈ જેવાં સંબોધનો હવે ગમતાં રહ્યાં નથી.

‘તો હું તમને શું કહીને બોલાવું ?' શોભાનો પ્રશ્ન સંભળાયો.

‘મને હવેથી તારાબહેન કહીને બોલાવજે, ભાભી કહે છે તેમ.' તારાએ કહ્યું.

'તે તારાબહેન ! આજ હાથમાંથી થાળી કેમ ખસી પડે છે !' શોભાએ સંબોધન સુધારી ફરી પ્રશ્ન કર્યો.

'દૈવ જાણે ! કોઈ વાર પડી પણ જાય.' તારાએ જવાબ આપ્યો અને ફોઈ-ભત્રીજીની વાત થોડી વાર માટે બંધ પડી. સરલાએ અને કિશોરે પરસ્પર સામે જોયું અને સરલાએ ઊભા થઈ પાસે પડેલી કૅશ-બૉક્સને કબાટમાં મૂકવા માંડી. એ જોઈ કિશોરે હસતે હસતે કહ્યું :