પૃષ્ઠ:Trishanku.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાગૃત મન : ૪૧
 


'સરલા ! આ તારી બચાવપેટી ખાલી રહેવા સર્જાઈ લાગે છે.'

'કારણ ?' સરલાએ પ્રશ્ન કર્યો.

‘તારો પગ અને તારો સ્વભાવ પૈસાની પેટીને ઠેસે ચઢાવે એવા છે.' કિશોરે કહ્યું.

'એ જે હોય તે તમારો પગાર વધશે કે શેઠ તમને ઇનામ આપશે ત્યારે એ પેટી ભરાઈ જશે.'

‘પગાર ન વધે અગર શેઠ ઇનામ ન આપે તો ?'

'તો જેમ આજ ચાલે છે તેમ કાલે ચાલશે અને રોજ ચાલશે.'

'એની ખાતરી શી ?' કિશોરે પૂછ્યું. હજી તેના મુખ ઉપર હાસ્ય રમતું હતું.

‘હજી કેટલી ખાતરી જોઈએ છે ? ઘરમાં છીએ તે કરતાં આપણે વધવાનાં નથી. પછી શું ?' સહજ ધીમેથી સરલાએ રહસ્યવાક્ય ઉચ્ચાર્યું.

'પણ્ તું તો એવી છે કે ઘરમાં આપણે વધીશું નહિ તોય તું બહારથી કોક કોકને બોલાવી લાવવાની !'

'એ જે થાય તે ખરું. તમે આ દર્શનની જ વાત કરો છો ને ? એને અત્યારે જમવા બોલાવ્યો તેથી ?'

'દર્શનને માટે હું કદી વાંધો લઈ જ ન શકું.'

'દર્શન નહિ તો બીજું કોઈ ! પણ આપણાથી પડોસીને ભૂખ્યો કેમ સૂવા દેવાય ?' સરલાએ કહ્યું.

કિશોરે એ પ્રશ્નનો જવાબ ઘડી કાઢ્યો:

'એ પ્રશ્ન મને નહિ, સરલા ! પણ અમારા શેઠ-શાહુકારોને, અમલદારોને અને રાજ્યકર્તાઓને પૂછવા સરખો છે.'

પરંતુ મનમાં ઘડાયેલો એ પ્રશ્ન કિશોરે મનમાં જ રાખી લીધો; એણે પ્રગટ કર્યો નહિ. કદાચ સરલાને એ ઉત્તરની પૂરી સમજ પડત નહિ. વળી દર્શન પણ ઉતાવળો ઉતાવળો ઓરડીમાં પાછો આવી લાગ્યો અને કહેવા લાગ્યો :

'મારો સોમવાર તોડાવ્યો એનું પાપ કોને લાગે ?'

‘તમારે સોમવાર નહિ, મંગળવાર કરવો જોઈએ.' સરલાએ હસતાં હસતાં કહ્યું.

'કારણ ?'

'શું કારણ ? આવડા મોટા થયા અને વહુ તો મળતી નથી ! મંગળવાર કરો, મંગળવાર ! કાંઈ સગવડ થાય.'