પૃષ્ઠ:Trishanku.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
ફરી મળતી નોકરી
 

સંધ્યાકાળ વીતી ગયો હતો. કચેરીઓમાંથી ઘેર આવનાર પુરુષો આવી ગયા હતા, અને ચાલીની ઓરડીએ ઓરડીએ લગભગ સગડીઓ સળગી ચૂકી હતી. હવે સામાન્ય માનવીને ખાવા માટે બદામ મળતી નથી એટલે એ ખાવાની પૌષ્ટિક વસ્તુનું નામ બદામી કોલસામાં પેસી ગયું છે ! જમા-ઉધારનાં પાસાં સરખાં કરવા માટે માનવજાતે કયા કયા પ્રયોગો કર્યા છે તેવી નોંધ થવી જરૂરી છે. એ નોંધમાં છેલ્લો છેલ્લો બદામી કોલસાનો ઉમેરો થયો છે. ઓરડીની ઘણીખરી સગડીઓમાં બદામી કોલસા જ બળતા હતા.

કિશોરની ઓરડીમાં કંઈ મહત્ત્વની વાતચીત ચાલતી હતી. અજાણ્યા પુરુષની સાથે કિશોરને ધીમેથી વાત કરવી પડતી હતી એટલે તારાને લાગ્યું કે ભાઈને અને એમને મળવા આવનારને એકાંત જોઈતું હતું. રસોડાનો કબજો સરલાએ લીધો હતો એટલે તારા નાનકડી શોભા સાથે ઓરડીની બહાર નીકળી. ચાલીમાં આવે એટલે પ્રથમ ઓરડી દર્શનની જ હોય ! અને થોડા દિવસથી દર્શનની ઓરડીમાં નજર કરવાની તારાને ટેવ પણ પડી ગઈ હતી - પછી ઓરડીનું બારણું ઉઘાડું હોય કે બંધ હોય ! અંદરથી બારણું બંધ હોય તો તારા ક્વચિત્ તડમાંથી કે જાળીના તૂટેલા ભાગમાંથી પણ બીજું કોઈ જોતું ન હોય ત્યારે નજર કરી લેતી ખરી !

દર્શનની ઓરડીમાં ખટખટારો થતો તારાએ સાંભળ્યો. સામાન્ય રીતે તો દર્શન નવરો બેઠો હોય ત્યારે કાં તો વાંચે લખે, અગર સિતારના તાર ઝણઝણાવે. અત્યારે દર્શનનું ટાઇપરાઇટર ઝડપથી ચાલતું હતું. તડમાંથી પ્રથમ તારાએ જોયું ત્યારે માત્ર દર્શનના હાથ ટાઈપરાઈટર ઉપર ઝડપથી ચાલતા દેખાયા અને સાથે સાથે કાગળો પણ ટાઈપ થઈ બહાર પડતા દેખાયા. તારાએ બારણા ઉપર ટકોરા માર્યા. ટકોરા માર્યા સિવાય બારણું ખુલ્લું હોય તોપણ કોઈથી ઓરડીમાં જવાય નહિ – તે પણ ટકોરા, પછી અંદરનો આવકાર સંભળાય ત્યારે જ ! ટકોરા સાંભળતાં જ દર્શને પોતાનું કામ અટકાવી લીધું, બારણા તરફ જોયું અને કહ્યું :

'કોણ હશે ? આવો અંદર. મારાં બારણાં કદી બંધ રહેતાં જ નથી.'