પૃષ્ઠ:Trishanku.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૪: ત્રિશંકુ
 

'એને બિચારીને કાઢી મૂકીને ?' દર્શને સહજ સ્મિત સહ પ્રશ્ન કર્યો. તારાએ એકબે ક્ષણ દર્શનની સામે વેધક દૃષ્ટિ કરી અને કહ્યું :

'ઘણી વાત છોકરાં ન સાંભળે એ જ સારું. કહો, સવારના તમે જમ્યા જ નથી, ખરું ?'

'મેં હમણાં જ કહ્યું ને? હું તે જૂઠું બોલું? અને તે શા માટે ?' દર્શને જવાબ આપ્યો.

‘તમે કદી જૂઠું બોલતા જ નથી, શું? મારા સમ ખાઈને કહો.'

'જુઓ, તારામતી ! જૂઠું અને સાચું એ બન્ને સાપેક્ષ શબ્દો છે. આઈન્સ્ટીન નામના એક વિજ્ઞાનવિદ ફિલસૂફે સાપેક્ષવાદ શોધીને જૂના દુશ્મન જૂઠ અને સાચને દોસ્ત બનાવી દીધા છે. હવે સાચ અને જૂઠ બન્ને હાથ મિલાવી ફરે છે... અને એ આઈન્સ્ટીન હજી ઈશ્વરકૃપાએ જીવે છે.'

એકાએક ટાઇપરાઇટરની આસપાસનાં થોડાં કાગળિયાં ઊંડ્યાં. પવનની એક લહેર કોણ જાણે ક્યાંથી આ ઓરડીમાં ઘૂસી ગઈ. દર્શને ઊડેલાં કાગળિયાં કાળજીથી પકડી મૂકી દીધાં. પરંતુ એક કાગળિયું તારાની પાસે આવી પડયું હતું તે તારાએ ઊંચકી લીધું અને કહ્યું :

'આજ, અત્યારે, કાગળિયાં કેમ ચૂંથો છો ?... અરે, તમારી ચાલુ નોકરી ગઈ શું ? આ અરજીઓ ફરીથી કરો છો તે ?” ઉપાડેલા કાગળ ઉપર સહજ નજર ફેરવી તારાએ કહ્યું.

'નોકરી અને મકાન ગયાં ન હોય તોયે નવાં નવાં શોધતા જ રહેવું... એ શોધ અખંડ જ રાખવી, ઈશ્વરની શોધની માફક !' દર્શને જવાબ આપ્યો.

'સમજી ગઈ છું. તમારી નોકરી ગઈ જ લાગે છે.'

‘તોયે શું? બીજી મળશે.'

'પગાર તો મળી ગયો ને ?'

‘તારામતી ! આજની નોકરીમાં રજા મળે, પગાર નહિ !' હસતે હસતે દર્શને કહ્યું.

'શું હસો છો? તમારાં બંધ બારણાં પાછળ ખટખટારો ચાલતો હતો ત્યારની હું સમજી ગઈ હતી કે આજ તમારો સિતાર કેમ ચાલતો નથી.' તારાએ કહ્યું.

'સિતાર તો ચાલ્યા જ કરવાનો, તારામતી !.... દમબદમ ઝીણી સિતારી વાગ્યા જ કરવાની !' દર્શને કહ્યું અને તારા થોડી ક્ષણ દર્શન સામે જોઈ રહી. પછી તેણે કહ્યું :