પૃષ્ઠ:Trishanku.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬:ત્રિશંકુ
 

એટલું કહીને તારા ઊભી થવા ગઈ. કંઈકથી એની પાળેલી બિલાડી આવી અને એનું લૂગડું ખેંચવા લાગી. તારાએ દર્શનની ઓરડી બહાર પગ મૂક્યો અને તે અદ્રશ્ય થઈ ગઈ. દર્શને ઊઠીને બારણું ખાલી વાસ્યું, અને તેની પાસે પડેલી થાળીમાં સરલાએ મોકલેલું જમણ તેણે જમવા માંડ્યું. કોણ જાણે કેમ, આજ તેની જીભમાંથી સ્વાદ ઊડી ગયો હતો. મહામુશ્કેલીએ થોડા કોળિયા ભરી તેણે થાળી બાજુ ઉપર મૂકી દીધી, અને ધીમે રહીને તેણે સિતાર હાથમાં લઈ ઝણઝણાવ્યો.

દર્શનની ઓરડીની ભીંતે બહારની બાજુએ અઢેલીને તારા ધ્યાનપૂર્વક સિતારને સાંભળી પ્રવેશમાર્ગમાં ઊભી રહી. પાંચ દસ ક્ષણ વીતી હશે એટલામાં કિશોરની ઓરડીનાં દ્વાર ખૂલ્યાં અને તેમાંથી હસતા હસતા કિશોર અને સુખલાલ તંત્રી બહાર નીકળ્યા... સુખલાલની બીજી બધી વાત ભલે ભુલાય; પરંતુ તેમનું હાસ્ય એવા પ્રકારનું હતું કે તે એક વખત સાંભળનાર કદી વીસરી શકે જ નહિ.

'હો... હો... હો ! હા, કિશોરકાન્ત ! ચાલો, તમે વચ્ચે હતા તે સારું થયું; તમારા શેઠની ઘાત ગઈ એમ માનો નહિ તો એનાં છોડાં ઉખાડી નાખત. એની બરાબર વાત મારા હાથમાં આવી ગઈ છે... લ્યો, આટલું મારા તરફથી છોકરાંને !' એટલું કહી પોતાનું હાસ્ય અટકાવી સુખલાલે ખિસ્સામાંથી દસેક રૂપિયાની નોટ કાઢી કિશોરને આપવા માંડી.

‘નહિ નહિ. તંત્રી સાહેબ ! એ રકમને મારાથી અડાય જ નહિ.' કિશોરે કહ્યું અને સુખલાલ તંત્રીના હાથને જરાક ખસેડી નાખ્યો.

'શું તમે મારા ભાઈ ! હું તમને ક્યાં આપું છું ? તો છોકરાંને આપું છું. છોકરાં મારાં નહિ ?' સુખલાલે વધારે આગ્રહ કર્યો.

'ના જી, મને માફ કરો. આજ એ વાત જ નહિ.'

‘વારુ, ક્યાં એક જ પ્રસંગ છે? મારું પત્ર છે અને તમારા શેઠ છે એટલે હજી આપણે વધારે હળવામળવાનું થશે. શેઠસાહેબને કહેજો, કે વચ્ચે વચ્ચે અમ પત્રકારોને પણ એ યાદ કરતા રહે. શું કહ્યું ?... હા... હા...હા...!'

તેમના ભવ્ય હાસ્યની ઉપર થઈને પણ સિતારનો ઝણઝણાટ સંભળાઈ રહ્યો હતો. પોતાના ભાઈ અને તંત્રીને ચાલ્યા આવતા જોઈ ભીંતે દેહને અઢેલો રાખી રહેલી તારા હવે જાણે સિતારના ઝણઝણાટને સાંભળતી ન હોય તેમ ત્યાંથી ખસી ગઈ. તંત્રીની દ્રષ્ટિ એ અદ્રશ્ય થતી યુવતી તરફ ખેંચાઈ પણ ખરી. તંત્રીની દ્રષ્ટિ ન ખેંચે એવી કોઈ પણ વસ્તુ કે માનવીનું અસ્તિત્વ જ નથી એમ સહુએ માનીને ચાલવું જોઈએ. તારાને