પૃષ્ઠ:Trishanku.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
અંગુલિમુદ્રા
 

'સચ્ચાઈની રાહ પર'ના તંત્રી સુખલાલ કિશોરનો આભાર માની દર્શનને પત્રની કચેરીમાં આવી ફરી દાખલ થવા મુરબ્બીવટભર્યો આગ્રહ કરી ચાલ્યા ગયા અને કિશોરે દર્શન સામે સહજ સ્મિત કરીને જોયું. દર્શને પૂછ્યું :

‘કિશોરભાઈ ! આ શેઠ કોને શોધતા આવ્યા હતા? હું માનું છું કે મને તો નહિ જ !'

‘તમારા તંત્રી – શેઠ એક તીર વડે બે નહિ પણ બાર શિકાર કરે એવા છે. જુઓ, બે હજારની ખંડણી મારી પાસેથી તેઓ ઉઘરાવી ગયા અને એ ખંડણી લાવી આપનાર સેનાપતિનો ગુમાવેલો સાથ મેળવતા ગયા.' કિશોરે પ્રશ્નનો જવાબ આપ્યો.

'મને કંઈ સમજ ન પડી, કિશોરભાઈ !'

'તમને અને મને સમજ પડી હોત તો આપણે આ ચાલીમાં રહેતા ન હોત; આપણી પાસે કાર અને બંગલા હોત !'

‘તો કિશોરભાઈ ! આપણે બન્ને ઊંડા ઊતરી કાર અને બંગલા આપતી સમજને પકડવા મથીએ. ખંડણી શાની, ખંડણી આપનાર સેનાપતિ કોણ, એનો સાથ કેમ ગુમાવાય અને એ ફરી કેમ મળે ? એ બધા પ્રશ્નો એક જાસૂસી વાર્તા સરખા પ્રશ્નો ઊભા કરે છે.' દર્શને કહ્યું અને કિશોર દર્શનને ધીમે રહીને સમજ પાડી. કિશોરના શેઠ જગજીવનદાસ વિરુદ્ધનો તીખો રંગબેરંગી લેખ 'સચ્ચાઈની રાહ પર'માં દર્શને લખ્યા પ્રમાણે પ્રગટ થયો. શેઠનું નામ એમાં લખેલું ન હતું, પરંતુ તેમને જ લાગુ પડતાં સૂચનો એ લેખમાં પૂરતા પ્રમાણમાં હતા. લખાયલા લેખમાં જનતાને એટલો બધો રસ પડ્યો કે એ પત્રની ખપત ચારે પાસ વધી ગઈ, અને એ લેખની જાણ શેઠના હિતસ્વીઓએ તેમને કરી પણ ખરી. જગજીવનદાસ શેઠ ગભરાયા અને કિશોર મારફત બાકી રહેલી પત્રની બધી નકલો ખરીદ કરાવી બાળી નાખી. પરંતુ એ નકલો બાળી નાખવાથી 'સચ્ચાઈની રાહ પર' પત્રમાં બીજા દિવસે તેમના વિરુદ્ધ હકીકત ન આવે એ માટે પત્રના તંત્રીને બે હજાર