પૃષ્ઠ:Trishanku.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦: ત્રિશંકુ
 

રૂપિયાની રકમ પણ તેમણે કિશોર મારફત મોકલાવી ! એ લેવા માટે તંત્રી સુખલાલ કિશોરને ત્યાં આવ્યા હતા અને જગજીવનદાસ શેઠે આપેલી ખંડણી લઈ પાછા જતા હતા. લેખ દર્શનનો લખેલો હતો અને દર્શનની અચાનક મુલાકાત થઈ ગઈ એટલે દર્શનની લેખનકલાનો વઘારે ઉપયોગ કરવા માટે દર્શનને ફરી નોકરી ઉપર તેમણે ચાલુ કરી દીધો.

‘કેમ, દર્શનભાઈ ! હવે સમજ્યાં ખંડણી શું તે, અને ખંડણી અપાવનાર સેનાપતિ કોણ તે ?' કિશોરે હસતે હસતે પૂછ્યું.

‘એમ છે ત્યારે ? એ ગાળભર્યા લખાણમાં મારી કિંમત થઈ, એમ ?' પૂરું જાણ્યા સિવાય દર્શનથી બોલાઈ ગયું.

'એ ગાળો ન હતી, સાચી વાત હતી અને હજી પણ સત્ય વધારે ભયંકર બની શકે એમ છે - હશે ! ધનિકોના બંગલા, બાગ, કારમાં અને લંચમાં જરાય ઓટ આવતી નથી. પણ એમને ધન ભેગું કરી આપનાર એમના કાર્યકરોનાં હાડમાંસ ચુસાય છે એની તેમને પરવા પણ નથી. તમે જે લખ્યું તે સાચું જ લખ્યું હતું, અને તે પણ પૂરું સાચું નહિ.'

‘કિશોરભાઈ ! ત્યારે તો કિસ્મત ખીલ્યું લાગે છે.'

'દર્શનભાઈ ! ધનિકોની સાચી વાત લખશો તો હજી કિસ્મત વધારે ખીલશે.' કિશોરે કહ્યું.

'પરંતુ બધા ધનિકોની સાચી વાત મને કહે કોણ ?' દર્શને પૂછ્યું.

'ધનિકોની આસપાસ રહેતા માણસોમાંથી તમે જે માગશો તે મળશે. અને કદાચ કોઈને મળ્યા વગર પણ લખશો તોયે એ કોઈ ને કોઈ ધનિક માટે સાચું પડશે જ. હવે કાલે નોકરી પર પાછા ચડી જાઓ.' કિશોરે કહ્યું અને બંને છૂટા મેડી પોતપોતાની ઓરડીમાં ગયા.

દર્શને પોતાની ઓરડીમાં જઈ સિતાર વગાડવો શરૂ કર્યો અને કિશોરની ઓરડીમાં આવેલી એક પથારીમાં સૂતે સૂતે પુસ્તક વાંચતી તારા સિતારની ગત સાંભળી બેઠી થઈ ગઈ. એની પાસે જ સૂઈ રહેલી બિલાડી તારાને બેઠી થઈ ગયેલી જોઈ પોતે પણ જાગી 'મિયાઉ' શબ્દ ઉચ્ચારી આળસ મરડી બેઠી થઈ. તારાએ તેને ટપલી મારી, દીવો હોલાવ્યો અને પાછી સિતારનો રણકો સાંભળતી સૂઈ ગઈ. થોડીક વાર સુધી દર્શને સિતાર વગાડવો ચાલુ રાખ્યો. અને પછી તેને પણ નિદ્રા આવી.

રાત્રિ સહુની પસાર થઈ ગઈ; અને બીજા દિવસનું પ્રભાત ઊગ્યું; અને પ્રભાત ખીલીને મધ્યાહ્નમાં વિકસ્યું. 'સચ્ચાઈની રાહ પર'ના તંત્રી સુખલાલની કચેરીમાં કામ ચાલી રહ્યું હતું. ચારેક માણસો ત્યાં લખતા