પૃષ્ઠ:Trishanku.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંગુલિમુદ્રા : ૬૧
 

બેઠા હતા અને એ મુખ્ય ખંડમાંથી પડદા નાખી બનાવેલી એક નાનકડી ઓરડીનાં જૂનાં મેલાં ટેબલખુરશી ઉપર બેઠેલા સુખલાલે દર્શન આવ્યો છે કે નહિ તેની ત્રણેક વાર તપાસ કરી. અંતે દર્શન આવ્યો અને તંત્રીની ઓરડીના બારણા પાસે બેઠેલા છોકરાએ દર્શનને ઓરડી પાસે બોલાવી ઓરડીનું બારણું ખોલી નાખ્યું અને ખોલતાં ખોલતાં તેણે કહ્યું :

'જાઓ, જલદી જાઓ. સાહેબ તમને ક્યારના યાદ કરે છે !'

'યાદ કરવાનું કંઈ કારણ?' દર્શને પૂછ્યું.

'એ તો સાહેબ જાણે. તમે જ જઈને ઝડપથી પૂછી લો.'

'એમ ? હં ...' કહી, સહજ હસી દર્શન અંદર ગયો. ઓરડીનાં ટેબલખુરશી ઉપર પેપરોના ઢગલા પડ્યા હતા અને સુધારવા માટેના કેટલાક છાપેલા કાગળ-ગોળાઓ પણ પાસે જ પડ્યા હતા; સુખલાલ કંઈક કાગળ સુધારતા હતા. દર્શનને અંદર આવેલો જોઈ તેમણે કાગળ સુધારવાનું બાજુ ઉપર મૂકી દર્શન સામે જોયું અને કહ્યું :

'કેટલું મોડું કરે છે તું, દર્શન !'

'મોડું? હજી દસમાં પાંચ મિનિટ બાકી છે, સાહેબ ! અને હું તો રજા આપેલો માણસ.' દર્શને જવાબ આપ્યો.

'આજના નોકરિયાતોને તો ઘડિયાળને કાંટે વળગીને કામ કરવાનું ! તને ભાન છે મેં તારો પગાર વધારી આપ્યો છે તે ?' સુખલાલ તંત્રીએ દર્શનને ઠપકો આપ્યો.

'હું આભાર માનું છું, સાહેબ ! પણ...'

'શું પણ ? હા. હા... હા ! કાલે કેમ આટલા તીખા બની ગયા હતા, ભાઈસાહેબ ? કહે, શું કહેવું છે તારે ?’ સુખલાલે અર્ધી ધમકી અને અરધી મહેરબાની દર્શાવતાં કહ્યું.

'સાહેબ! મારો પગાર વધાર્યો એ તો ઠીક. એ જ્યારે મને મળે ત્યારે ખરો. પરંતુ હવે પાછલો પગાર મળી જાય તો મારા હાથ અને પગ બન્ને ચાલે, સાહેબ !' દર્શને કહ્યું.

‘તમને જુવાનિયાઓને તો પૈસાની કિંમત જ નહિ ! માટે જ તો હું કોઈને ઝટઝટ પૈસા આપતો નથી. લે ! કહેવાનું આટલું જ છે ને ? જાણે મને તમારી મુશ્કેલીની ખબર જ નહિ હોય !' કહેતાં બરાબર સુખલાલ તંત્રીએ કાગળનું પૈસા ભરેલું એક પાકીટ ધીમેથી દર્શન તરફ ફેંક્યું. દર્શને જરા સંકોચપૂર્વક પાકીટમાંથી પૈસા કાઢી ગણવાની શરૂઆત કરતે કરતે શેઠ સામે જોયું અને શેઠ સુખલાલ એકાએક દર્શન સામે ગર્જી ઊઠ્યા :