પૃષ્ઠ:Trishanku.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪ : ત્રિશંકુ
 

રખડતા રહેવું... હૉટેલો અને ક્લબોમાં પણ અવરજવર રાખવી. ઘણા એમાં જ ઝપટાઈ જશે... એ રખડપટ્ટીમાં તારે ટ્રામ પણ કદી કરવી પડે; એનો ખર્ચ પણ તને થાય ને ?.. બાતમી કાઢતા રહેવું... વખત બેવખત. સુખલાલ તંત્રીએ દર્શન માટે કાર્યક્રમ દોરી આપ્યો.

કુશળ ધંધાદારીની કુનેહ દર્શન અહીં જોઈ શક્યો. પચીસ રૂપિયાનો કહેવાતો વધારો એને પચાસ રૂપિયા ખર્ચાવે એવા કાર્યક્રમમાં ઘસડી જતો લાગ્યો. સોદાગરોની દુનિયામાં સહુએ સોદાગર બનવું પડે, અને સોદામાં જેટલો નફો લેવાય એટલો લેવો જોઈએ. દર્શને સુખલાલ તંત્રી પાસેથી એ શિક્ષણ આડકતરું લેવા માંડ્યું હતું. એણે જરા ભમ્મર ઊંચી ચઢાવી અનેપોતાના વધતા જતા કાર્યવિસ્તાર સામે સહજ વાંધો નોંધાવતાં કહ્યું : , “પછી... પછી શેઠસાહેબ, ઑફિસકામ કરવાનું, લેખો લખવાના, પ્રૂફ જોવાનાં, પત્રની ગોઠવણી નક્કી કરવાની, ખૂટતાં પાનાં છેલ્લી ઘડીએ ભરવાનાં ને ઉપરથી પાછી રખડીને બાતમી મેળવવાનું આપ કહો છો ! એ. બધું મારા એકલાથી કેમ થશે ?'

'અરે, જુવાનજોધ માણસ ! આમ કામથી કેમ ગભરાય છે ? આટલો મહિનો નભાવી લે. તારા લેખમાંથી સારી આવક થાય તો આવતે મહિને તારા તાબામાં એક ટાઈપિસ્ટ આપીશ ! પછી કાંઈ ?' શેઠસાહેબે વર્તમાનમાં પીઠ થાબડી ભાવિની આશા ઉઘાડી કામ લેવાની અનુકૂળ રીત અજમાવી. પરંતુ દર્શનની દ્રષ્ટિ સમક્ષ એક નવું જ દ્રશ્ય ખૂલી ગયું. એ દ્રશ્યની અસરમાં તેનાથી બોલાઈ ગયું :,

'હા જી, કામથી હું નહિ કંટાળું.... અને મારા ધ્યાનમાં એક છોકરી છે. ટાઈપિસ્ટ... એને હું પૂછી જોઈશ.’

“હા... હા... હા ! તમને જુવાનિયાઓને ટાઇપિસ્ટમાં પણ છોકરી જ જોઈએ અલ્યા, પરણ્યો છે કે એમનો એમ ? શેઠસાહેબ પણ છોકરીની વાત નીકળતાં આનંદિત બન્યા.

'ના, જી.. પરણવાનું જોખમ ખેડવા જેટલો પૈસો હજી થયો નથી.' દર્શને પણ રમૂજ ચાલુ રાખી.

'ચલ, હવે તારું નસીબ ફરી ગયું માનજે.... આવતી સાલ તારાં લગન ! લેખ તૈયાર કરી મને બતાવી જા.'

શેઠની - તંત્રીની આજ્ઞા અનુસાર દર્શને લેખ તૈયાર કર્યો, પસંદ કરાવ્યો, છપાવ્યો અને રખડવાને બહાને પોતાની ઑફિસમાંથી જરા વહેલો નીકળી ઘેર આવ્યો. બહારની ઓસરીમાં શોભા રમતી હતી. તેને