પૃષ્ઠ:Trishanku.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાહ્ય ચમકનો ચિરાતો પડદોઃ ૬૯
 


'ભાવતાલનું તો ઠીક, એનાથી ગભરાઈએ તો વ્યાપાર ન થાય. પણ આ તમારાં છાપાં તો જુઓ ? કોણ જાણે કેમ, પણ આજકાલ તો જેની પાસે ધન તે દુનિયાનો દુશ્મન બની જાય છે !' ધનપાલે વ્યગ્રતાનું ન સમજાય એવું કારણ આપ્યું.

'અરે, હા રે ! સરકાર તો આપણને ચોર જ માનીને ચાલે છે, જોકે ચોરના વેરામાંથી પોતાની તિજોરી ભરે છે ! મજૂરોને નોકરીએ ચડાવી રોજી આપીએ છતાં આપણે મજૂરોના દુશ્મન ! એમાં વળી કારકુનો ભેગાં થાય અને છાપાંવાળાને તો કંઈ બનવું જોઈએ, એટલે ઉજવણી ! જગજીવનદાસને પોતાના વિરુદ્ધની ટીકા પત્રમાં આવેલી યાદ આવી. પરંતુ નૂતન હિન્દને સ્વરાજ્ય આપવામાં સહાયભૂત થયેલી આઝાદ રંજનને કોઈ પણ વસ્તુ ગભરાવે એવી હતી જ નહિ. જગજીવનદાસનાં નિર્માલ્ય વચનો સાંભળી રંજને કહ્યું

'એવાં છાપાંને ગણે છે મારી બલા ! એ તો રોજની વાત છે. એમાં આજ નવું શું છે, ધનપાલ ?'

‘નવું? વાંચો આ છાપું શું કહે છે તે !' ધનપાલે રંજનની બેદરકારીને બિવડાવવા મંથન કર્યું. પરંતુ રસિકલાલે સન્નારીની સહાયે આવી ધનપાલને કહ્યું :

‘વાંચો ને તમે જ ?'

'વાંચવા જેવું વધારે તો તમો જુવાનિયાઓ માટે છે.' ધનપાલે રસિકલાલની જુવાની ઉપર કટાક્ષ કર્યો. ખડખડ હસીને રંજને વચમાં જ કહ્યું :

‘તે તમે તમને ઘરડા થયા માનો છો શું? વાંચી સંભળાવો તો ખરા? બીજું શું હશે એમાં ? કોઈ પ્રેમીઓ માતાપિતાની સામે થઈ ભાગી ગયાં હશે કે કોઈ અભાગિયાએ આપઘાત કર્યો હશે !'

'રંજબહેન ! તમે આપઘાતમાં માનો ખરાં કે ?' જગજીવનદાસે વાર્તાલાપ વધાર્યો.

'જે પ્રેમમાં માને તે આપઘાતમાં માને.' રંજને જવાબ આપ્યો.

'તે તમે શેમાં માનો ?' રસિકલાલે પૂછ્યું.

'હું તો પ્રેમમાંય નથી માનતી અને આપઘાતમાંય નહિ!' રંજને હસતે હસતે કહ્યું.

'આવી આવી વાતો સાંભળીને જ છાપાંવાળા આપણા ઉપર આરોપો મૂકે છે.' ધનપાલે અભિપ્રાય દર્શાવ્યો.