પૃષ્ઠ:Trishanku.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ઃ ત્રિશંકુ
 


‘તમને એવો ડર લાગતો હોય તો હું આ ચાલી, મને કોઈની પરવા નથી !' કહી, ખુરશી ખસેડી મોં ચડાવી રંજન ત્યાંથી સફાઈબંધ ચાલી નીકળી અને બીજા મિત્રસમૂહમાં ભળી ગઈ. સુંદર સ્ત્રી કોઈ પણ ટોળામાંથી અચાનક ઊઠી જાય એ રસિકલાલને જરાય ગમે એમ ન હતું. તેમણે તરત જ કહ્યું :

‘તમે નાહક રંજનને નારાજ કરી !'

'જો, આ વાંચ. છોકરીઓને આમ જાહેરમાં ચઢાવી મૂકો છો તે ! બધાં જ ફજેત થાય છે.' ધનપાલ શેઠે ઠપકો આપતાં વર્તમાનપત્ર રસિક સામે ધર્યું અને રસિકલાલે બતાવવામાં આવેલો ભાગ વાંચવા માંડ્યો. એ ભાગમાં લખ્યું હતું કે : હવેથી દર અંકે એક જાણીતા ધનિકની રસભરી પ્રેમકથા આપવામાં આવશે.... પછીથી એ જ ધનિકનાં કાળાં બજારની કથા... તે પૂરી થયે તેણે જ આયપત વેરામાં કરેલા ગોટાળાને ખુલ્લા પાડવામાં આવશે... અમે ભારે ખર્ચ કરી સાચી માહિતી મેળવવા એક જાસૂસજાળ બધે જ બિછાવી છે. સાચને આંચ નથી. અમે નિર્ભય અને પુરાવા સજ્જ છીએ. જનતાને સત્ય પીરસવાના અમારા ધર્મમાંથી અમે કદી નહિ ચૂકીએ.

આટલું વાંચતાં બરોબર રસિકલાલથી બોલાઈ ગયું :

'એમ વાત છે ? પણ આપણે ડરવાનું કારણ નથી. બૉય !' કહી રસિકલાલ વસ્ત્રસજ્જતાવાળા પીરસણિયાને સાર્વભૌમત્વભરી બૂમ પાડી. જગજીવન શેઠે રસિકલાલ સાથે સંમત થઈ કહ્યું :

'બરાબર, ડરવાની જરૂર જ ક્યાં છે ? શું મંગાવશો ?” આ દરમિયાન આવેલા બૉયને ઉદ્દેશી તેમણે પીણાની પસંદગી માટે મિત્રોને પૂછ્યું. ધનપાલે તોડ પાડ્યો :

'શરબત કે આઇસક્રીમ વગર બીજું કંઈ નહિ આજ... ત્રણ શરબત.'

હુકમ માથે ચડાવી બૉય ચાલ્યો ગયો અને ઝડપથી ત્રણ શરબતના પ્યાલા લાવીને ત્રણે મહા ધનિકોની સામે મૂકી દીધા. શરબત પીતાં પીતાં ધનપાલથી બોલાઈ ગયું :

‘ડરવા જેવું આપણે છે શું? આ તો નાહકની ખોટી ફજેતી પેપરવાળા કરે છે.'

એકાએક પ્યાલાના પાણીમાં પરપોટો થયો અને ફૂટતાં તેમાંથી કંઈક