પૃષ્ઠ:Trishanku.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭ર : ત્રિશંકુ
 

જેવો કેમ લાગતો હતો?

પત્રકારોની ટીકાથી કદી પણ ન ગભરાવા નિશ્ચય કરી બેઠેલા ત્રીજા ધનિક રસિકલાલે પણ બીજાઓ સાથે તત્કાળ કહ્યું :

'ડરે એ બીજા; આપણે નહિ !'

પરંતુ એટલામાં રસિકલાલના પાણીમાં ઊભરો આવતો દેખાયો અને ઊભરામાંથી બગીચાનો એકાંત ભાગ રચાઈ ગયો. એ એકાંત ભાગમાં ફુવારો ઊડતો હતો અને ફુવારામાં એક અર્ધ નગ્ન સ્ત્રીમૂર્તિ સ્નાન કરી રહી હોય એમ દેખાયું, સંધ્યાકાળનું અજવાળું અંધકારમાં સમાઈ જવા મથતું હતું. ફુવારા પાસેની એક બેઠક ઉપર એક યુવતી મુખ ફેરવી બેઠી હતી અને તેનો હાથ એક પુષ્ટ પુરુષના હાથમાં હતો. એ પુષ્ટ પુરુષમાં આ રસિકલાલનું જ પ્રતિબિંબ ઊઘડતું હતું. બન્ને વચ્ચે વાતચીત થતી પણ સંભળાઈ :

'આજથી હવે મારે તમારે કંઈ જ નહિ !' યુવતીએ કહ્યું.

'કારણ ?' રસિકલાલનો આર્જવભર્યો કંઠ સંભળાયો.

‘તમે મને જોડે લઈને ફરો છો એ તમારાં વહુ જાણે છે, અને જ્યારે ને ત્યારે તમારાં અને મારાં છાજિયાં લઈ નાખે છે.'

‘એમાં હરકત શી છે? છાજિયાં લેવા માટે તો એને આખું ઘર આપ્યું છે... અને આપણે માટે આ બગીચો અને બગીચામાંનું એકાંત મકાન...'

‘પણ હું તો હજી ટાઇપિસ્ટ જ રહી ! અઢીસો રૂપરડીમાં મારું પૂરું થતું નથી હવે !' યુવતીએ રસિકલાલ તરફ સહજ નજર કરી કહ્યું.

'તને ખબર છે, આજ એક ચિત્રપટ માટે મેં બે લાખ રૂપિયા આપ્યા તે ?'

‘એમાં મારે શું ?' યુવતીએ કોઈ પણ પુરુષને ગમી જાય એવો છણકો કર્યો.

'તારે એમાં એટલું જ કે તારે જ સ્ટાર તરીકે એ ચિત્રમાં ઊતરવાનું, એ શર્તે પૈસા ધીર્યા છે. બોલ હવે !'

‘પણ મને તો ડાયરેક્ટરે કે પ્રોડયુસરે જોઈ જ નથી !... 'યુવતીએ પોતાનું આખું મુખ રસિકલાલના મુખ પાસે લાવીને કહ્યું.

‘પણ મેં તને જોઈ છે ને ?' એટલું કહેતા બરોબર રસિકલાલે યુવતીને હતી તેના કરતાં વધારે નજીક ખેંચી અને દ્રશ્ય સમેટાઈ ગયું. પરંતુ અત્યારે પ્યાલામાં પ્રગટ થતા દૃશ્યને જોનાર બીજું કોઈ હોય તો ? અને તે દર્શન જ