પૃષ્ઠ:Trishanku.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
 
માટી બનતાં સ્વપ્ન
 


જીવનની બાહ્ય ચમકને ચીરવી એ આજના યુગમાં બહુ મોટી વાત નથી - જોકે બધાથી એ ચમકને ચિરાતી નથી. એક માનવી બીજા કરતાં ક્યારે વધારે મોટો હોય છે ? ક્યાં વધારે મોટો હોય છે ? અને એ મોટાઈની ચમક ચીરનાર પણ એના કરતાં વધારે મોટો હોતો નથી ! એટલે આજ તો જે હથિયાર હાથમાં આવે તે હથિયાર વડે સહુને એકબીજાના ઘરમાં ખાતર પાડવાનું જ કામ કરવાનું હોય છે. જે માનવી ફાવ્યો તે ખરો ! સુખલાલ તંત્રીની પાસે પત્રનું શસ્ત્ર મળ્યું અને દર્શનમાં તેમને ગરજવાળો ભાડૂતી શસ્ત્રધારી દેખાયો, એનો ઉપયોગ કરી સુખલાલ તંત્રી આબાદીને પંથે પગલાં મૂકી શક્યા. એમના પત્રમાં સ્થાનિક સમાચારો આવતા, પ્રાંતીય સમાચારો આવતા, રાષ્ટ્રીય સમાચારો આવતા અને આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આવ્યા કરતા. લોકો ધર્મ તરફ વળે એટલા માટે એમાં સ્તોત્રો, સ્તવનો, ટૂંકી ટૂંકી કથાઓ અને ધર્મવચનો પણ આપવામાં આવતાં. અગ્રલેખમાં સુખલાલ તંત્રી એક પાસ અમેરિકાને પણ સલાહ આપતા અને બીજી પાસ રશિયાને પણ સલાહ આપી શકતા. દિલ્હીનો દરવાજો, લંડનનો હાઈડપાર્ક, પેકિંગનો પંખો, ક્રેમલિનને કાંગરેથી, ધવલ હાઉસના પડદા પાછળ વગેરે વગેરે મથાળાં નીચે પરદેશી રાજકારણને પણ તેઓ પોતાના પત્રમાં ગૂંથતા. પત્રો દ્વારા લોકોના પ્રશ્નોની પણ ચર્ચા ઉઠાવતા; અને વાચકો પત્ર ન લખે ત્યારે તેમની કચેરી પણ પત્રલેખકો બની જતી; નારીવિભાગ, બાલવિભાગ, વ્યાપારવિભાગ, સિનેમાવિભાગ, રમતગમતવિભાગ, સાહિત્યવિભાગ વગેરે વગેરે વિભાગો કાઢી પત્રને સર્વાંગી બનાવવાનાં તેમને સ્વપ્ન આવવા લાગ્યા, અને તે એક જ મહિનામાં ! હવે તેમના પત્રની જડ જામી ગઈ હતી. દર્શનના ચમકાર ચીરતા લેખોમાંથી તેમની કચેરીમાં સાધનસુખ વધવા લાગ્યાં અને હૉટેલની ચા મંગાવી પીવાને બદલે એકાદ અઠવાડિયાથી તેમણે સ્ટવ મંગાવી ઑફિસમાં જ ચા બનાવી પીવાનો વહીવટ રાખ્યો હતો.

પગારદિન આવ્યો અને ચા પીતે પીતે ઘંટડી વગાડી તેમણે દર્શનને બોલાવ્યો, પોતે ચા પીતી વખતે સામે ઊભેલા કે બેઠેલા માનવીને ચા