પૃષ્ઠ:Trishanku.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : ત્રિશંકુ
 

ધરવાની આપણી ફરજ કે આપણી શિષ્ટતા છે, એવું માનવાની કક્ષાએ તેમનું મન હજી પહોંચ્યું લાગતું ન હતું. ઉદારતા પણ સાધનો ઉપર જ ધાર રાખી ખીલે છે !

દર્શને આવી સુખલાલને નમસ્કાર કર્યા અને સામે ઊભો રહ્યો. સુખલાલના મુખ ઉપર ઠીક ઠીક આનંદ છવાઈ રહ્યો હતો. નમસ્કારનો તો તેમણે નમસ્કારથી જવાબ ન આપ્યો, પરંતુ પોતે ચા પી લે ત્યાં સુધી આનંદપૂર્વક ઊભા રહેવાની સૂચના તેમણે આંખને ઇશારે દર્શનને આપી.

ચા પી રહી. દર્શનની સામે તેમણે એક પાકીટ ફેક્યું અને કહ્યું :

'લે, દર્શન ! વધારા સાથેનો પગાર.'

'આભાર !' દર્શને કહ્યું.

'આભાર-બાભાર ઠીક છે. પણ હવે ધીમે ધીમે તારે બીજા લખાણની પણ ટેવ પાડવી પડશે. ત્રીસ દિવસમાં પંદર ફોડિયાઓ તો ઝડપાઈ ગયા.'

'હા, જી. હું પછીથી વાર્તાઓ પણ લખી શકીશ.'

'અલ્યા, વાર્તાઓ લખતો ક્યારનો થઈ ગયો ?'

'મેં તો, સાહેબ ! વાર્તાથી જ શરૂઆત કરી છે.'

‘તે ક્યાં આપે છે ? બીજા કોઈ પત્રમાં તો નહિ ને ?'

'ના, જી. આપને ત્યાં આવતા પહેલાં વાર્તાઓ લખતો હતો અને મોકલતો હતો; પણ બધી પાછી આવી એટલે લખવાનું માંડી વાળ્યું.' દર્શને સાચી હકીકત કહી.

'તે ઊતરેલી વાર્તાઓ મારે માથે મારવી છે શું ?'

'મારા ઉપર ભરોસો રાખોને શેઠસાહેબ ?'

'તે હવે તું શું લખવા ધારે છે ?'

‘હજી તો, સાહેબ ! આગેવાનો રહ્યા, નેતાઓ રહ્યા, સેવકો રહ્યા અને ગુરુઓ રહ્યા છે. પછી શેઠિયાઓનાં વખાણ શરૂ કરીશું.'

“હા.... હા.... હા ! તારી નજર ખૂંપવા માંડી, છોકરા ! એમાં જ તારા લાભની વાત છે. જા, જોજે પાકીટમાં મેં કેટલો પગાર વધારે આપ્યો છે તે. પણ કોઈને કહેતો નહિ.'

'પણ સાહેબ !.'

'હજી પણ શાનું? શું બાકી રહ્યું ?'

‘ટાઇપિંગનું ખર્ચ હજી બાકી છે.'

'અરે, હા. લે, કેટલું થયું ?' કહી સુખલાલે દર્શન પાસેથી ટાઇપિંગનું બિલ લીધું અને બિલ પ્રમાણેની રકમ મૂકી બીજું પાકીટ પણ તેમણે તેના