પૃષ્ઠ:Trishanku.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'માટી બનતાં સ્વપ્નઃ ૭૭
 

તરફ ફેંક્યું. ફેંકતાં ફેંકતાં તેમણે અણધારી ઉદારતા દર્શાવતાં કહ્યું :

‘એક ટાઇપિસ્ટ છોકરી જ રાખી લે ને ? આમ ઉદ્ધડ કામ લેવાને બદલે ? હવે જખ મારીને સહુએ જાહેરાતો મોકલવા માંડી છે... પણ હજી સરકારી જાહેરાતો બરાબર આવતી નથી.

'ધીમે ધીમે સરકારની પણ ખબર લઈ નાખીશું. મેં અમલદારોની ઑફિસોમાં પણ પગપેસારો શરૂ કર્યો છે.' કહી દર્શને સુખલાલની સામે જોયું. સુખલાલ ખડખડ હસી પડ્યા. અને એમને ભાવિ પ્રગતિના આનંદમય સ્વપ્નમાં ગુલતાન રાખી નમન કરી દર્શન કચેરી બહાર નીકળી ગયો અને સીધો ઑફિસમાંથી પોતાની ચાલી તરફ નીકળી આવ્યો.

કોણ જાણે કેમ પણ આજ કિશોરની ઓરડીને દરવાજે જ તારા ઊભી હતી. કદાચ એને દર્શનના પગારદિનની ખબર હોય પણ ખરી. તેનો ભાઈ કિશોર તો આજ પગાર લાવવાનો જ હતો, અને તેની રાહ જોઈને તેની ભાભી સરલા પગારનો વિચાર કર્યા કરતી હતી અને નવા માસનાં સ્વપ્ન પણ સેવતી હતી, એ તારાની જાણ બહાર ન હતું. બારણે ઊભા રહીને જ દર્શનને જોતાં બરાબર તારાએ કહ્યું :

‘આજ ક્યાંથી જરા વહેલા આવ્યા ? કોઈ ક્લબમાં નથી ગયા શું ?'

‘હવે ક્લબમાં જાજૂસ તરીકે નહિ, પરંતુ સભ્ય તરીકે જવાનું સ્વપ્ન મને આવવા લાગ્યું છે.' દર્શને કહ્યું.

'સ્વપ્નને સ્વપ્ન જ રહેવા દો, એ સાચું પડશે તો આ પૃથ્વીની માટી બની જશે.' તારાએ કહ્યું.

'તારામતી ! તમે તો મને એક વાતનું મથાળું આપી દીધું !'

'મેં ? ક્યારે ?'

આ વાતવાતમાં... 'માટી બનતાં સ્વપ્ન'નું મથાળું બહુ સરસ છે ! મને જરા મદદ કરશો, અંદર આવીને ? આપણે ચા સાથે જ પીએ.' દર્શને કહ્યું અને બારણું ઉઘાડી રાખી તે ઓરડીની અંદર ગયો.

ચારપાસ નજર નાખી બે-ત્રણ મિનિટ થોભી તારા પણ દર્શનની ઓરડીમાં ગઈ અને તેણે બારણું બંધ પણ કર્યું.

'કેમ આટલો સંકોચ, તારામતી ?'

'સંકોચ હોય તો હું આવુંય ખરી?’

‘તમને વધારે સંકોચ થાય એવું એક કામ હું કરી લાવ્યો છું.' દર્શને કહ્યું.

‘એવું શું છે વળી ?'