પૃષ્ઠ:Trishanku.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ : ત્રિશંકુ
 


‘તમારા ટાઇપિંગ બિલના હું પૈસા લઈ આવ્યો છું.’

‘ટાઇપિંગ બિલ ? મેં વળી ક્યારે આપ્યું છે !' તારાએ જરા ચમકીને પૂછ્યું.

‘તમે નથી આપ્યું, પરંતુ મારે તમારી મહેનતનો બદલો તો આપવો જ જોઈએ ને ?'

'મહેનત ? મહેનત તો તમને પડી છે, શીખવવાની ! અને હજી મને એવું ક્યાં ટાઇપિંગ આવડ્યું છે કે હું તેનું બિલ બનાવું?'

‘એક અઠવાડિયાથી તમારા જ ટાઈપ કરેલા લેખો સીધા જ યંત્ર ઉપર જાય છે. હું ફક્ત કામ કરાવવામાં માનતો નથી; લો, તમારા બિલના પૈસા.' કહી દર્શને પૈસાનું પાકીટ કાઢી તારા સામે ધર્યું. તારા એક ક્ષણભર દર્શનની સામે જોઈ રહી અને બોલી :

'તો આ ઓરડીનું ભાડું ચૂકવી દો ને ? મને આપવા કરતાં ?'

'એ તો નીચે ક્યારનું આપી દીધું. ભૈયો છોડે એવો ક્યાં છે ? અને તારામતી ! હું તમને આ રકમ આપું છું તે મારા પગારમાંથી નહિ. જુઓ મારા પગારનું આ બીજું પાકીટ.' કહી દર્શને બીજું પાકીટ બતાવ્યું.

'ઑફિસમાંથી જ તમને બે પાકીટ બનાવતાં કોણ રોકે એમ છે ?' તારાએ કહ્યું. પરંતુ દર્શન તારાની વધારે પાસે આવ્યો અને તેણે કહ્યું :

'હું તમને સોગનપૂર્વક કહું છું કે આ રકમ તમારી જ છે. અને આ માસથી તમને મારે પગાર નક્કી કરીને બાંધી જ લેવાં છે. નહિ તો તમે આગળ શીખશો નહિ. આવડેલું ભૂલી જશો અને મદદરૂપ થતાં અટકી પડશો ! લઈ લો આટલી રકમ.' એટલું કહી દર્શને કદી ન દર્શાવેલી હિંમત કરી તારાનો હાથ પકડ્યો અને તેના હાથમાં રૂપિયાનું પડીકું મૂકી દીધું. ક્ષણભર તારો સ્તબ્ધ બની. તેના હાથમાં જ રૂપિયાનું પડીકું રહી ગયું. દર્શન આટલા હસ્તસ્પર્શ કરતાં બીજો વધારે સ્પર્શ કરશે કે કેમ એવો ધડકારભર્યો વિચાર તારાના હૃદયમાં ધબકી રહ્યો; અને દર્શન તેની સ્તબ્ધતા જોઈ સહજ મૂંઝવણ પણ અનુભવી રહ્યો. સ્તબ્ધ બનેલી તારાએ સ્વાથ્ય મેળવી ગંભીર બની પૂછ્યું :

‘દર્શન ! તમે સારા માણસ છો ?'

'મારાં પ્રમાણપત્રો બતાવું ? અરે, તમે જ મને કેટલાંય ટાઈપ કરી આપ્યાં છે.' દર્શને હસીને જવાબ આપ્યો.

‘હસવાનો પ્રશ્ન નથી. મેં પૂછ્યું તેનો જવાબ આપો.'

'તારામતી ! તમે સરસ વકીલ થશો એમ લાગે છે.'