પૃષ્ઠ:Trishanku.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ : ત્રિશંકુ
 

ભોજાઈ પણ વિશ્વાસનું ઓઢણું નહિ તો વિશ્વાસનાં ચરમાં જ પહેરીને દર્શન પ્રત્યે નિહાળતાં હતાં એવી દર્શનને ખબર હતી. દર્શનનો વિશ્વાસ ન હોય તો તારાને કોઈ પણ વડીલ આવી ઢબે તેની પાસે આવવાજવા ન દે. દર્શન માનવ વિશ્વમાં નોંધાયેલાં બધાં પાપ ભલે કરે, પરંતુ નિર્દોષ હૃદયનો પુંજ લઈ તેની પાસે આવતી તારાના હૃદયમાં કલુષિતપણાનો પ્રવેશ કરવા દેવાનું પાપ દર્શનથી થવું ન જ જોઈએ એમ તારાના મુખ સામે જોતાં તેને. લાગ્યું.

ક્ષણ બે ક્ષણ, પાંચ ક્ષણ વીતી ગઈ. ન દર્શન આગળ બોલ્યો ને તારા આગળ બોલી. તારાને પણ મનમાં વિચાર આવ્યો કે પોતાના ઉપર ઉપકાર કરનાર એક મિત્રને આવો પ્રશ્ન કરીને તે અન્યાય તો કરી રહી ન હતી ? એકાએક દર્શને કહ્યું :

'હં... સમજી ગયો. તારામતી ! તમે મને કયો પ્રશ્ન પૂછ્યો? એ ફરી પૂછો ને ?'

‘મારે એ પ્રશ્ન ફરી પૂછવો નથી.' તારાએ કહ્યું, જરા શરમાઈને.

'ભલે ન પૂછો, પરંતુ એ મારા હૃદયમાં વજ્રજલેપ બની ગયો છે..'

'બીજા કોઈએ તમને આ પ્રશ્ન નથી પૂછ્યો?' તારાએ સહજ હસીને કહ્યું.

‘એ પ્રશ્ન ઘણા માણસોએ પૂછ્યો છે.'

'તો પછી મારો જ પ્રશ્ન તમને વજ્રલેપ કેમ લાગી ગયો ?'

'કારણ એ પ્રશ્ન તારામતીએ પહેલી જ વાર મને પૂછ્યો !.. તારામતી ! એક સાચી વાત કહું ?'

‘તમે મને જૂઠી વાત કદી કહો એમ હું માનતી નથી. તેથી જ તમને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછવા જેટલો તમારામાં મને વિશ્વાસ ન હોત તો...'

'તો શું કરત તમે ?' દર્શને પૂછ્યું.

“કાંઈ નહિ, મારે કાંઈ જ કહેવું નથી.'

‘તો હવે મારે કહેવાનો વારો આવ્યો. જુઓ, હું સારો માણસ છું કે કેમ એવો તમે મને પ્રશ્ન પૂછ્યો. નહિ ?'

‘ખોટું લાગ્યું, દર્શન ?'

‘નહિ, જરાય નહિ.'

‘ત્યારે તમે આ બધું શું કહો છો ? અને પૂછો છો ?'

'તો મને કહી લેવા દો કે હું સારો માણસ તો નથી જ.'