પૃષ્ઠ:Trishanku.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટી બનતાં સ્વપ્નઃ ૮૧
 


‘મને તમે કહો છો તે સાચું લાગતું નથી.' તારાએ જરા વિલાઈને કહ્યું.

'જુઓ ને તારાગૌરી ! આમ તો બધાય માણસો સારા; પરંતુ જેવી પરિસ્થિતિ તેવા ગુણ અને અવગુણ.'

'મેં હજી તમારા અવગુણ દીઠા નથી.' તારાના હોઠ બોલી ઊઠ્યા.

'મારા અવગુણ જુઓ તે પહેલાં એક સ્પષ્ટતા કરી લઉં. મેં કહ્યું, ને કે હું સારો માણસ નથી ? એ જ સત્ય છે. પણ સાથે સાથે એ પણ કહી દઉં કે જે ક્ષણે તમને એમ લાગે કે હું સારો માણસ નથી તે ક્ષણે આ તમારા હાથના બધા જ રૂપિયા ગરમ કરી મારા કપાળ ઉપર ચોડી શકશો ! બસ?' દર્શને કહ્યું.

તારાની આંખમાંથી ટપટપ આંસુનાં બુંદ તેના ગાલ ઉપર પડવા લાગ્યાં, દર્શને જીવનમાં આવી ગંભીર ક્ષણ કદી નિહાળી ન હતી. ક્ષણભર તેને વિચાર પણ આવ્યો કે તે તારાનાં અશ્રુ પોતાના હાથમાં ઝીલી લે - અરે પોતાને હાથે લૂછી નાખે. પરંતુ તેણે એ હિંમત કરી નહિ. પોતે સારો માણસ છે કે કેમ એવો પ્રશ્ન તારા ફરી પૂછે એવી પરિસ્થિતિ એને રચવી ન હતી. આ જ ક્ષણે બારણું ઉઘાડી કોઈ આવી ચઢ્યું, તો ? તારાના ભાઈ કે તારાની ભોજાઈ આવી ચઢે તો ?

અને ખરેખર બારણું ઊઘડ્યું પણ ખરું ! પરંત બન્નેને સદ્ભાગ્યે એ આવનાર કોઈ દૂષિત દૃષ્ટિવાળું માનવપ્રાણી ન હતું, એ તારાની બિલાડી હતી જેને માનવીના સાચા દોષ હજી જડ્યા ન હતા. ચમકી ઊઠેલી તારા હસી પડી અને તેણે પોતાનાં અશ્રુ સાડીના છેડા વડે લૂછી નાખ્યાં. લૂછતે લૂછતે તેણે દર્શનને જ પૂછ્યું :

'ત્યારે હું શું કરું આ પૈસાને ?'

'મને પૂછો છો ?... વારુ. કદી. હું માગું તો મને પાછા આપવા પૂરતા તો એ તમારી પાસે રાખો !' દર્શને વિનંતી કરી.

તારાનું સ્મિત ચાલુ હતું. હસતે હસતે તેણે કહ્યું : ‘એટલા રૂપિયા તમે માગો ત્યારે પાસે રહ્યા હશે ખરા ?'

‘ન રહે તો હરકત નહિ. ગરમ કરી મારે કપાળે ચોડવા હું બીજા રૂપિયા તમને આપીશ. પણ મને જતા પહેલાં કહેતાં જાઓ કે તમે ટાઇપિંગ મારે માટે કરશો જ.'

‘ટાઇપિંગ કરવાનું તો ક્યાં છે? હજી તો શીખવાનું છે.'