પૃષ્ઠ:Trishanku.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ઃ ત્રિશંકુ
 

તેણે ઉમળકાભેર કૅશિયરને આવકાર આપ્યો :

'હલ્લો ! છેલ્લી ઘડીએ પણ તમારાં દર્શન દુર્લભ !'

‘કિશોર મેનેજર ન હતો. પરંતુ મેનેજરને સ્થાને ઝડપથી આવવાની તૈયારી કરતો મહત્ત્વનો ઑફિસ અમલદાર તો હતો જ. મેનેજર બીજા કામમાં રોકાય ત્યારે ઑફિસનું ઉપરીપણું કિશોરને સોંપાતું, એટલે મહત્ત્વના અમલદાર તરીકે કૅશિયરે તેને નમસ્કાર પણ કર્યા અને તેના કથનનો જવાબ પણ આપ્યો.

'શું કરું, સાહેબ ? શેઠ, શેઠાણી અને તેમના દીકરાઓના ચેક તો સહુથી પહેલા કાઢવાના... મેનેજરસાહેબ પણ પગાર વગરના તો શાના રહે ? મજૂરો હડતાલની ધમકી આપે એટલે એમના પગાર પણ આપણે કરવાના જ. પેપરવાળા કંઈ નવું લખે નહિ એટલા માટે એમની જાહેરખબરોના પૈસા પણ વખતસર મોકલી આપવા પડે.... બાકી રહ્યા આપણે બે-પાંચ જણ...જેમનાથી ન ઊતરાય હડતાલ ઉપર કે ન છોડાય નોકરી !'

કૅશિયરને ભાષણ આપતો અટકાવી કિશોર એકાએક બોલી ઊઠ્યો:

‘એ સમજ્યો, એ તો રોજની વાત છે. પણ મારો પગાર ક્યાં ? લાવ્યા છો કે નહિ ?'

'એ જ કહેવા આવ્યો છું. શેઠસાહેબે સંદેશો મોકલ્યો છે કે આપણે ચાર-પાંચ જણે હમણાં થોભી જવું.'

'એટલે ?' કિશોરે જરા ગુસ્સે થઈ પૂછ્યું. કૅશિયરે અત્યંત ઠંડકથી જવાબ આપ્યો :

'એટલે એમ સાહેબ ! હતી એટલી રકમ બધી આજના પગારમાં પૂરી થઈ ગઈ. હવે બાકી કંઈ રકમ રહી નથી... એટલે આપને ચારેક દિવસ પછી પગાર મળી શકશે. પેલી હૂંડી ત્રણ દિવસમાં પાકે છે...'

કિશોરને પગાર જોઈતો હતો, પગાર ન મળવાનાં કારણો જોઈતાં ન હતાં અને ભવિષ્યમાં પગાર મળવાની આશા પણ જોઈતી ન હતી. પગારદારને માટે પગાર એ જીવનમરણનો પ્રશ્ન હોય છે. તેમાંય મધ્યમ વર્ગના કિશોર સરખા માણસને તો પગાર વગર ચાલી જ શકે નહિ. છેલ્લે અઠવાડિયું પગારદારો સામાન્યતઃ તંગી અને ઊંચા જીવમાં જ ગાળે છે, જેમાંથી છૂટવાનો આજનો દિવસ ગણાય. એમાંથી રાહતનો દિન આ છે, છતાં છેલ્લી ક્ષણે પગાર પામનારને પગાર મેળવવાનો નથી એવી ખબર પડે