લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરનો ભાઈ ઘંટીચોરઃ ૮૯
 

કંઈ જોઈતું હોય તો તે પોતાના પૈસામાંથી આજ લઈ આવે પણ ખરી; એટલે તેણે આ પ્રશ્ન કર્યો.

'ના રે, બહેન ! આજ લાવવું શું હોય ?' સરલાએ કહ્યું.

'પરંતુ તમે તો રૂપિયા બહાર કાઢ્યા છે ! કૅશબૉક્સમાં જેનાથી બને તેણે પૈસા નાખવા એવો આપણો નિયમ છે.' તારાએ કહ્યું.

'પણ એ નિયમ કોણ પાળે છે ? હું તો નહિ. બહેન ! અને તમને તથા છોકરાંને એવું કદી ક્યારે આપી શકીએ છીએ કે જેમાંથી તમે બચાવો અને કૅશબૉક્સમાં કાંઈ મૂકો ?' સરલાએ ઘરની પરિસ્થિતિનું સમજાય એવું બ્યાન કર્યું.

'તો પછી પૈસાની કેમ જરૂર પડી. ભાભી ? આજ ભાઈનો પગાર તો આવશે ને ? એમાંથી. બજેટ કરીને પછી જ ખર્ચજો ને ?' તારાએ કહ્યું.

'આશા તો બહેન ! છે જ, કે આવશે અને પગાર લાવશે જ. એ આશામાં જ આ રકમ કાઢી લઉ છું. સરલાના મુખ ઉપર કંઈ વ્યક્ત વેદના દેખાતી હતી.

'પણ બિલ તો હજી કાલથી આવશે, પગાર-તારીખ પછી.' તારાના હાથમાં આવેલી રકમ નજીવી હોવા છતાં એટલી રકમે પણ તેને ઠીકઠીક વાચાળ બનાવી હતી. પૈસો માનવીની જીભ ખોલી નાખે છે !

'પરંતુ તારાબહેન ! જીવન અને મરણ પગાર-તારીખોની પરવા ક્યાં કરે છે ?' સરલાએ જવાબ આપ્યો.

'સમજાયું નહિ, ભાભી ! કોના જીવનમરણની વાત કરો છો ? મને તો કંપ આવી ગયો, તમને સાંભળીને.'

'મને પણ કંપ આવ્યો ! માટે જ ઊઠીને આવી છું. અને કૅશબૉક્સમાંથી પૈસા કાઢું છું.'

'કોને માટે, ભાભી ? શાને માટે ?'

'તારાબહેન ! બહાર કોણ ઊભું છે તે તમે જોયું ?' સરલાએ પૂછ્યું.

'ના... હા... પેલા ગજરાબહેનના વર જેવું કોઈ ડોકિયાં કરતું હતું, હું આવી ત્યારે. કદાચ એમને ભાઈનું કામ હોય !' તારાને ઓરડીમાં પેસતાં પેસતાં બહાર કોણ ઊભું હતું તેનો હવે ખ્યાલ આવ્યો.

'ના. એમને તમારા ભાઈનો પણ ખપ નથી અને મારો પણ ખપ નથી.' સરલાએ વિષાદભર્યું સ્મિત કરી કહ્યું.

‘ત્યારે ?'

‘એમને થોડા રૂપિયાનું કામ છે.'