પૃષ્ઠ:Trishanku.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ઃ ત્રિશંકુ
 

‘શાને માટે ?'

‘ગજરાબહેન એક બાળકને જીવન આપવા માગે છે. પરંતુ ડૉક્ટર નહિ હોય તો ગજરાબહેન અને બાળકની મૃત્યુઘડી પાસે છે !'

'તે ડૉક્ટર ક્યાં છે ? શું ડૉક્ટર ન મળ્યા ગજરાબહેનને ?' તારાએ પણ ચિંતા દર્શાવી પૂછ્યું. સરલાએ સહજ હસીને જવાબ આપ્યો :

'ના. સોનું, રૂપું, કશું આપો નહિ ત્યાં સુધી ડૉક્ટરો મળે જ નહિ !'

'પણ, ગજરાબેનના વરનો પગાર આજે આવ્યો જ હશે ને ?'

'ના. આજ એમનાથી એમની કચેરીમાં જવાયું જ નથી. પછી બધી વાત કહીશ. હું હમણાં તેમને પૈસા આપી આવું.' એટલું કહી સરલા કૅશબૉક્સ મૂકી ઓરડી બહાર ઝડપથી ચાલી ગઈ.

તારા એકલી પડી. એણે ચારે પાસ નજર ફેંકી. બાળકો કે એની પ્રિય બિલાડી, કોઈ જ ત્યાં હતું નહિ. જાણે ચોરી કરવી હોય તેમ તારાએ કૅશબૉક્સ હાથમાં લીધી અને પછી ફરી ચારે પાસ જોઈ દર્શને આપેલી સંતાડેલી રકમ બહાર કાઢી કાણામાંથી કેશબોક્સમાં નાખી. નાખતે નાખતે તેનાથી બોલાઈ ગયું - બહુ ધીમેથી :

'કુટુંબમાં આ મારો પહેલો ફાળો !'

તારાએ કૅશબૉક્સ હતી તેમને તેમ મૂકી દીધી. તેના મુખ ઉપર જરા આનંદ પ્રગટ થયો.

એકાએક તેને ચિંતા થઈ ! તેણે મૂકેલી રકમ ભાઈ કે ભાભી ગણશે. તો ? આજે ગણતરીનો દિવસ તો હતો જ. ભાભીને કહીને એ રકમ એણે અંદર નાખી હોત તો કેવું સારું થાત? હવે ? તારાએ ફરી કૅશબૉક્સ હાથમાં લીધી. કૂંચી લઈ કૅશબૉક્સ ઉઘાડી પોતે મૂકેલા પૈસા પાછા કાઢે, તે સિવાય એ પૈસા પાછાં નીકળે એમ ન હતું. સરલાભાભી પૈસા આપી પાછા ફરશે કે ગજરાબહેનની સારવાર માટે તેમની ઓરડીએ જશે, એની તારાને ખાતરી થઈ નહિ. સારું કામ કરવા છતાં પણ તેના હૃદયે કંપ અનુભવ્યો. બહારનું બારણું ઊઘડતું હોય એવો ખખડાટ થયો, એટલે તેણે કૅશબોક્સ અંદર મૂકી દીધી અને રસોડાના ભાગમાં જવા માંડયું. જતે જતે તેના મનમાં વિચાર આવ્યો :

‘એ ફાળો ખરેખર મારો ?... કે દર્શનનો ?'

જતે જતે તેને લાગ્યું કે તેનો ભાઈ કિશોર ઘરમાં આવી રહ્યો છે. ગભરાઈ ઊઠેલી તારા થોડી વાર સુધી રસોડાની વ્યવસ્થા કરી રહી. સરલા ઘરમાં હતી નહિ એટલે કિશોર ખુરશી ઉપર રિવાજ પ્રમાણે બેસી ગયો.