પૃષ્ઠ:Trishanku.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરનો ભાઈ ઘંટીચોર : ૯૧
 

કિશોરને સહજ નવાઈ તો લાગી; તેને આવવાનો સમય થયો હોય અને સરલા તેની રાહ જોઈ બેઠી ન હોય એવું ભાગ્યે જ બનતું. મઝદૂરને અને ગુંડાને એણે બહાર જ ઊભા રાખ્યા હતા. તેના આવ્યાનો ધસારો સાંભળીને સરલા રસોડામાંથી પણ આવ્યા વિના નહિ રહે એમ ધારી થોડી. ક્ષણ તે ખુરશી ઉપર જ બેસી રહ્યો. એટલામાં ગજરાબહેનને જોઈ સરલા વહેલી વહેલી પોતાની ઓરડીમાં ચાલી આવી. પતિને ખુરશીમાં બેઠેલો જોઈ પ્રસન્ન થઈ અને પોતે પણ સાદડી ઉપર બેઠક લીધી. કિશોરે પણ તેને જોઈ; પરંતુ તેણે સરલા ઉપરથી નજર ખેંચી લીધી અને ખુરશી ઉપરથી ઊઠી કોટ કાઢી ખીંટીએ લટકાવી તે પાછો પોતાની ખુરશી ઉપર બેસી ગયો. જરા રાહ જોઈ સરલાએ હસતે મુખે પૂછ્યું :

‘કેમ, આજે પાકીટ ફેંક્યું નહિ ?'

દર માસે પગાર લઈ કિશોર ઘરમાં આવતો ત્યારે પગારના પૈસાનું પાકીટ તે સરલાના પગ પાસે મૂકતો અગર ફેંકતો. એટલે સરલાનો પ્રશ્ન પ્રસ્તુત હતો. કિશોરે એ પ્રશ્નનો જવાબ આપ્યો :

‘પાકીટ હોય તો ફેકું ને ?'

'કેમ ? એ શું? આ જ તો પગારદિન છે ને ?' સરલાએ પૂછ્યું અને તારીખના કેલેન્ડર તરફ નજર કરી.

‘પગારદિન પગાર વગરનો દિન બની ગયો છે. હજી ચાર દિવસ પગાર માટે રાહ જોવાની છે.' કિશોરે કહ્યું.

‘હરકત નહિ. બિલવાળા એટલું તો થોભશે. ઓહો, એમાં શું ? ભલે ચાર દિવસ મોડું થાય !' સરલાએ હસતે મુખે કહ્યું.

'એટલું હોય તો કાંઈ હરકત ન હતી. પણ સરલા, હું તો બીજી આફત લાવ્યો છું.' કિશોરે કહ્યું.

'શું છે, કહો ને? તમે કદી આફત લાવો જ નહિ.'

'આજે તારી બેંક ખોલવી પડશે. અને જે પચીસની રકમને આપણે અડવું નહિ એવા સોગંદ લીધા હતા, એ આખી રકમને આપણે ગુમ કરવી પડશે.' કિશોરે કહ્યું.

સરલાના મુખ ઉપર એક જાતની અશાંતિ ફેલાઈ ગઈ. તેણે પૂછ્યું :

‘શાને માટે ? કોને માટે ?'

'એક મઝદૂરનો જીવ બચાવવા માટે.'

'અરે બાપ ! એ રકમ તો હમણાં જ ગુમ થઈ. હું અબઘડી એ આપીને પાછી આવી છે. ' સરલાએ કહ્યું અને કદી ન અનુભવેલી વિચિત્ર લાગણી