પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯૪ : તુલસી-ક્યારો


પોતે કોઇ દિવસ ખોળામાં બેસાર્યો નહોતો, રમાડ્યો નહોતો, એક રમકડું પણ આણી દીધું નહોતું, વેકેશનમાં પિતા આવશે ને એકાદ ઝબલાનું કપડું, એકાદ ફૂટબોલ, એકાદ નાનું એરોપ્લેન લેતો આવશે એવી આશા સેવતી બેઠેલી પત્નીને મળતી વખતે વીરસુત યાદ કરી આપવાનું ચૂકતો નહિ કે 'આ તારી દેહલોલૂપતાનું પાપી વિષફળ છે વગેરે વગેરે.'

આવો છોકરો આવડો મોટો કેમ કરતાં થઈ ગયો ! હજુ ય મોટો ને મોટો થતો કેમ જાય છે! જેમ જેમ એ વયમાં ને ઊંચાઈમાં વધે છે તેમ તેમ એ જાણે કે જગતની સમીપ મારી નાલાયકી અને મારી વધતી જતી ઉમ્મર પોકારી રહે છે. હું ક્યાં આનો બાપ બનવા જેવડો ઉમ્મરવાન આધેડ બની ગયો છું ! હું તો હજુ યૌવનના ઊંબરમાં પગ મૂકી રહ્યો છું. મારી જોડીના જુવાનો તો હજુ પ્રણય કરી રહેલ છે!

ચહાનો પ્યાલો દેવુના હાથમાં થંભી રહ્યો છે ત્યાં તો આવા આવા વિચારોની, એના માથાના પોલાણમાં, કૈંક સૂસવાટીઓ બોલી ગઈ. એ ઉતાવળી જીભે કહેવા જતો હતો કે 'આંહીં મારી ચેષ્ટા જોવા આવેલ છો ને ! તારી બાની શિખવણી મુજબ મારા પર વેર લેવા આવેલ છો ને!' પરંતુ એટલું બોલતા પહેલાં એની જીભને ઝાલી રાખનારૂં કોણ જાણે કેવું યે રાંકપણું એણે દેવુના ગોળ નાના ચહેરામાં દીઠું. એણે પ્યાલો દેવુના હાથમાંથી લીધો. કે તૂર્ત દેવુએ કહ્યું, 'બાપુ, અમે હમણાં જ આવ્યા, પણ હું તો દાદાજીથી નાસીને આવ્યો છું.'

'કેમ?'

'તમારી પાસે જલદી આવવાનું મન થયું. ને મામાજી મૂકવા આવ્યા.'