પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯૮ : તુલસી-ક્યારો


પક્ષે પણ ઊભો રહેનાર છે. ત્રણચાર દંપતી-જીવન પર ભાસ્કરે શિરજોરી ચલાવી હતી તેઓ પોતપોતાની દાઝ એકઠી કરીને વીરસુતની સહાયે ઊભવાના છે. વકીલો પણ પોતની વહારે ધાનાર છે. અને કેટલાક ખાટસવાદીઆ લોકો પણ આ તમાશામાં રોનક પૂરવા વીરસુતના પક્ષે ઢોલકી વગાડવા લાગ્યા હતા. વીરસુતનો પુરાવો મજબૂત કરવા માટે એક વ્યક્તિ તો ઘરમાં જ બેઠી હતી, એ હતી ભદ્રા. ભદ્રાને અદાલતમાં તેડી જવાનું કાર્ય જરા કઠિન હતું. પણ દેવુ આવ્યો છે એટલે એમાં સરલતા થવાની આશા હતી.

આવી કડીઓ અંતરમાં ગોઠવતો વીરસુત પોતાના કટ્ટર નિશ્ચયની વધુ વધુ કદર કરી રહ્યો હતો, ત્યાં દેવુએ પાછા આવીને ખબર દીધા. 'બાપુ, ભદ્રાબાએ ચહા સાથે દશમી પણ ખાધી છે. તમે ચહા પીધી એટલે એણે પણ પીધી છે. એ કહે છે કે તમે ખાશો પીશો તો એ પણ ખાશે પીશે.'

'વારૂ.' એમ કહી વીરસુત ભદ્રાની પાસે અદાલતમાં આવવાની વાત મૂકવાનો સમય વિચારી રહ્યો.

સાંજનો સમય હતો. દેવુ બહાર નીકળી પડ્યો. એને વીણી વીણીને થોડા વધુ પથ્થરો-ગોળાકાર સુંદર પથ્થરો, ઘાટીલા, વજનદાર અને ઘા કરવામાં ફાવે તેવા સરખા પથ્થરો પોતાનાં બીજા ખિસ્સામાં પણ ભર્યા. પોતાનો ઘા કેટલે દૂર જઈ શકે છે ને પોતાની તાક કેવીક ચોક્કસ છે એ નક્કી કરવા એણે ઝાડનાં પાંદડાં પર પથ્થરો ફેંકી પણ જોયા. ફેંકતો ફેંકતો એ વિશેષ દૂર ગયો. સારી પેઠે એકાંત મળતી ગઇ. આવી નિર્જનતામાં જો પેલી નઠારી નવી બા મળી જાયને, તો તો મારું કામ પાકી જાય. એવી એવી કલ્પના એના નાનકડા માથાને ધગાવી રહી.