પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'સુકાઈ ગયા છો!' : ૯૯


એવામાં એણે એક સ્ત્રીઓનું ટોળું દીઠું. બીજી સ્ત્રીઓ એમાંની એક સ્ત્રીને પકડીને હાથ ખેંચી રહી હતી. સાથેબે ત્રણ પુરુષો પણ હતા. જે સ્ત્રીનો હાથ ખેંચાઇ રહ્યો હતો તે જાણે કે આગળ વધવા આનાકાની કરતી હતી. દેવુ જેમ નજીક પહોંચ્યો તેમ તો તેણે પેલી હાથ ખેંચનારીઓના સ્વર પણ સાંભળ્યા.

'ચાલ તું તારે. રસ્તો કાંઈ કોઈના બાપનો નથી, આ તો જાહેર રસ્તો, હિંમત કરીને નીકળ. શું કરી નાખવાનું છે કોઈ?'

'કરી તો શું નાખશે કોઈ !' પેલી સ્ત્રી જવાબ દેતી હતી. 'પણ મને એ જગ્યા, એ ઘર, એ બધું જ હવે ખાવા ધાય છે.'

'ચાલ ચાલ, એની આંખોને ચગદતાં જ ચાલ્યાં જઇએ. એની છાતી પર થઈને ચાલીએ. અમસ્થાં કંઈ આપણે ઊંચા નહિ આવી શકવાનાં !'

બીજીએ કહ્યું, 'અમે તો એને શેમ શેમ પોકારવાનાં, ચાલ.'

એમ બોલતી સ્ત્રીઓ પેલી અચકાતી સ્ત્રીને લેતી આગળ વધી ને દેવુ એ અચકાતી સ્ત્રીને ઓળખી. એ જ નવી બા ! એના હાથ ચળવળી ઊઠ્યા.