પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧૨ : તુલસી-ક્યારો


પ્રભાતના સહેજ સંક્રાંતિકાળમાં અર્ધઅદૃશ્ય રહેલા એવા બે જણાને પીપરની ઘટા હેઠે જોતી ગઈ.

તે પછી પાકી ખાતરી કરવા માટે પિતા બાળકને લઈ આશ્રય-ધામની ઓફિસે ગયા. પૂછ્યું : 'અમારે કંચનગૌરી મળવું છે.'

'શું થાય તમારે?'

'સગાંની દીકરી થાય.'

'બહાર ગયેલ છે.'

ઘણી લાંબી વેળા ત્યાં બેઠા પછી. પ્રભાતનાં અનેકવિધ ગૃહકાર્યોમાં મચી જવાના એ સમયે ત્યાં આશરો લઇ રહેલી પચાસેક નાની મોટી સ્ત્રીઓની પરસ્પર વાદાવાદ અને રીસ બબડાટ કરતી જોય પછી નિરાશ દાદા દસ વાગે બહાર નીકળ્યા અને ઘેર ગયા વગર બારોબાર અદાલતમાં પહોંચ્યા. ત્યાં એણે સાંભળ્યું કે ફરિયાદી બાઇ કંચનગૌરીના વકીલે, પોતાની અસીલની તબિયત એકાએક ગંભીર થઇ જવાથી ને તે કારણે તેને બહારગામ ચાલ્યા જવું પડેલું હોવાથી, અચોકસ મુદ્દતને માટે મુકર્દમો મુલતવી રાખવાની અરજી ન્યાયાધીશને કરી છે.

આ રસગંભીર મુકર્દમામાં હાજરી આપવા આવેલાં બસોક સ્ત્રીપુરુષ શ્રોતાઓ પાછાં વિખરાતાં હતાં. તેમનાં વદનો પર નિરાશા ને ખિન્નતા જ નહિ, પણ ચીડ અને ઠપકો પણ હતો. તેઓ અંદર અંદર વાતો કરતા હતાં કે-

'એકાએક તબિયત શાની લથડી ગઇ? વખતસર કોઇ દાક્તરને તો બતાવવું હતું !'

'આમાં તો નબળાઇ જ ગણવાની.'