પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨૪ : તુલસી-ક્યારો


'સાંભળ !' એ વિકૃતિ પામેલો ભાસ્કર ઊંડી ખાઇમાં ઊતરીને જાણે બોલતો હતો : 'કાં તો તારે કાકા પાસે જવું પડશે, ને કાં હું બતાવું તેમ વર્તવું પડશે.'

'કાકા પાસે મોકલી આપો.' કંચન બીતી બીતી માંડ આટલું બોલી શકી.

'એમ કાંઇ એકદમ મોકલાશે ? ત્યાં લખું, ત્યાંથી જવાબ આવે, અને મારૂં મન ખાત્રી પામે, ત્યારે મોકલીશ.'

બોલતો બોલતો ભાસ્કર હસતો હતો. એવું હાસ્ય પણ આ બીજીવારનું હતું. જ્યારે એ વીરસુતને માર મારી મોટરમાં ઘાલી લઈ ગયો હતો ત્યારે આમ હસ્યો હતો.

આ મુખાકૃતિ જે દિવસે પતિની સામે ખેંચાઇ હતી તે દિવસ વધુ ને વધુ યાદ આવ્યો. તે દિવસ પોતે ભયભીત થઇ હતી છતાં અંદરથી પ્રસન્નતા પામી હતી. તે દિવસનું સ્મરણ ન સહેવાયું. ફરી વાર એ આ મેડીની બારી તરફ નજર ફેરવી ગઇ.

એકાએક એ નજરમાં નવી લાગણી છવાઇ ગઈ. આફ્રિકાના અફાટ અનંત દરિયાવ-પટની કલ્પના ન આવી, પન જ્યાં પોતે એ કલ્પના-દૃશ્ય ખડું કરતી જતી હતી તેજ સ્થાને, તળાવની પાળે વડલાની છાંયે, એણે ત્રણ જણા બેઠેલા દીઠા. એક વૃદ્ધ, એક અંધ અને એક કિશોર.

ત્રણેને પોતે ક્યાંઈક જોયા હતાં શું ? તાજેતરમાં જ જોયા હતા કે વર્ષો પૂર્વે જોયા હતા ! જરીક ઝાંખી થઈ હતી, વિશેષ કાંઈ યાદ આવતું નહોતું. પણ તેઓ બન્ને બેઠા બેઠા આંહી આ બારી તરફ કેમ જોઈ રહ્યા હતા ! ને હવે નજર પાછી કેમ સંકેલી લે છે?