પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨૪ : તુલસી-ક્યારો


પોતાના મુરબ્બીપણાની ઓથ લઇને આ તો દગલબાજી ખેલાતી હતી ને નમૂછીઆ છોકરા એના રક્ષણનો મુલાયમ લહાવો લેતા હતા.

કેમકે ભાસ્કરની એક આબરૂ તો આ હતી : પોતાને સોંપાયેલ સ્ત્રીનો એ શુદ્ધ બાંધવ હતો. એની આંખોમાં કદી મેલ હોઇ શકે નહિ. અરે એટલી હદ સુધી એની સહાય ને સોબત સહીસલામત ગણાતી, કે ભાસ્કર જાણે પુરુષ ખોળિયું પહેરીને દુનિયામાં આવેલ સ્ત્રી જ છે. ઘણા એને ભાસ્કર બહેન કહીને પણ બોલાવતા, તેમાં મશ્કરી નહોતી, સાચી માન્યતા હતી. ચાહે તેટલી એકાંતમાં પણ ભાસ્કર સાથેની સ્ત્રી સુરક્ષિત મનાતી.

એવી પ્રતિષ્ઠાના કોચલામાંથી ભાસ્કરનો પ્રાણ, ઇયળનાં ખોખામાંથી પાંખો ફફડાવીને પતંગિયું ઊડે તેમ ફફડાટ કરતો બહાર આવ્યો. વીરસુતના પંજામાંથી કંચનગૌરીને પોતે જે બહાદુરીથી છોડાવી લાવ્યો, તે બહાદુરીનો મર્મસ્વર છેક આજે બોલ્યો :-

કંચન મારી બને તે માટે.

***

સાંજ પડી હતી. ગામના કુમારો ને યુવકો કંચનને ફેરવવા લઇ જવા આવ્યા. ફરવા આવવા કજિયા કરતી ઘરની બહેનોને આ યુવકોએ હમેશાં કહેલું કે 'વગડામાં ને ડુંગરામાં શું જોવાનું ને ફરવાનું બળ્યું છે!' કંચનને માટે તેમણે ગામની સીમમાં પચીસેક 'બ્યુટી સ્પોટ્સ' - સુંરતાનાં સ્થાનો નક્કી કરી રાખ્યાં હતાં. ભાંગેલી દેરી અને દટાયેલી તળાવડી પણ કંચનને બતાવવા માટે મહત્ત્વના બન્યાં હતાં.

કંચન પ્રાચીન સ્થાનોમાં જરીકે સમજ નહોતી ધરાવતી. મીનલદેવીએ બંધાવેલી વાવ વિષે જુવાનો વાત કરતા હતા ત્યારે મીનલ કર્ણદેવની