પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨૮ : તુલસી-ક્યારો


ઢંઢોળી મનને પૂછી જોયું : 'કેમ એટલું ય ન બોલી શકી ! ભાષણો તો ઘણાં કરે છે!'

અરધા જ કલાકે ભાસ્કર પાછો આવ્યો ત્યારે તેના હાથમાં એક લીલા પાંદડાનો પડીઓ હતો. ખોલીને એણે અંદરથી એક સુંદર ફૂલવેણી કાઢી, ને પ્રસન્ન સ્વરે કંચનને કહ્યું : 'હું બાંધી આપું? કે તું તારી જાણે જ બાંધીશ? કહે જોઉં દીકરી!'

એ શબ્દોમાં ને એ મોં ઉપર, એક જ ભાવની રાગિણી હતી. ભાસ્કરના ચહેરામાં કશી ભયાનક વિકલતા નહોતી. એ દયામણી દૃષ્ટિએ જોતોજોતો, વેણીને કંચન સામે લટકાવી ઊભો.

કંચને વેણી લઇને પોતાના અંબોડા ફરતી વીંટાળી.

'ચાલો હવે, ચંદ્ર ઉગ્યો છે. થોડું ફરીએ. તળાવની પાળે પાળે જ આંટો મારીએ.'

તળાવની પાળ એટલે એ ગામનાં નરનારીઓ ને બાળકોનું રોજ સાંજનું મેળાસ્થાન. કંચન એટલું તો સમજી જ શકી કે ભાસ્કર પોતાને કોઈ એકાંત-સ્થાને લઈ જવા નહોતો માગતો. એને દિલ નહોતુ, એને પેલા છોકરાઓ સાથે ન જવા દીધી તે અપમાન સાલતું હતું, છતાં એની જીભ પર 'ના' જેટલો એકાદ અક્ષર પણ ન ચડી શક્યો. પાળેલા પશું જેવી એ ભાસ્કરની પાછળ પાછળ ચાલી. બન્ને ઉતારાની બહાર પહોંચ્યાં ત્યારે ભાસ્કરે એક વાર પાછળ જોયું.

'તો તો પછી મારી આણેલી વેણીની શી મહત્તા!' આ શબ્દો ભાસ્કર પાછળ જોયા વગર જ બોલ્યો. કંચન સમજી ગઈ. એણે માથે સાડી ઓઢી હતી. ભાસ્કરની ઉમેદ સાડીને એવી તરેહથી ગોઠવવાની હતી કે માથું ઢંકાયેલું પણ કહેવાય ને વેણી પણ સાને દેખાય.