પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જગરબિલાડો : ૧૨૯


સાડીની કોર અંબોડા ઉપર સરી ગઈ ને ચાંદની રાતમાં ફરતાં ગામલોકો વચ્ચે થઈને આવી સુંદર, સુગંધીમય, સલુકાઈભરી ને ભાર્યા સમી આજ્ઞાંકિત સ્ત્રીની સાથે લટારો લેવાનો ભાસ્કરે લહાવ લીધો. એ કહું બોલતો નહોતો, કશી આછલકાઈ કરતો નહોતો, કંચનની સાથે પણ વાતો કરતો નહોતો. એ જાણે કે સમાધિસ્થ હતો, અધમીંચી એની આંખોની પાંપણો નીચે જો કોઈ જોઈ શક્યું હોત, તો કહી શકત કે ભાસ્કર અત્યારે કશોક ઉદ્રેક અનુભવી રહ્યો છે; સંસાર-વનની કોઈક અણફળી આરઝૂની સંતૃપ્તિમાં લહેરાયો જાય છે; એની ગરદન પોતાની જમણી બાજુએ ચાલી વાતી કંચન તરફ સહેજ ઝૂકેલી છે, એની આંખોનાં અધબીડ્યાં પોપચાં જરી જરી ઊંચાં થઈને બાજુએ ચાલતી કંચનનો વેણી-વીંટ્યો અંબોડો જોઈ વળે છે.

તળાવને ફરતાં ચક્કર પછી ચક્કર લાગે જતાં હતાં. ભાસ્કરના મોંમાં વાચા નહોતી. કંચનને અડકી, ઘસાઈને ચાલવાનો પણ એનો ભાવ નહોતો. જગતની આંખને એ ફક્ત એટલું જ બતાવવા માગતો હતો, કે જોઈલે, મને પણ સ્ત્રી સ્નેહ જડ્યો છે. હું સ્ત્રીઓનો રક્ષણહાર, શાણો બાંધવજન, પીઢ સલાહકાર અને વડીલ જ માત્ર નથી. હું તેમનો સખા પણ થઈ શકું છું, હું એને શણગારી શકું છું. મને મદનીનું મૂલ્ય કરતાં આવડે છે, ચાંદનીને હું પુષ્પે ને પ્રેમે મઢી શકું છું.

ચક્કર મારતાં મારતાં એક ઠેકાણે કંચન ઝબકી. એણે શરીર કોડી, એકદમ માથા પર ઓઢી લીધું. ને એ સહેજ ભાસ્કરની પછવાડે રહી ગઈ.

ભાસ્કરની આંખોએ પાંપણોની છાજલી નીચે જોયું કે પડખે ચાલી આવતી વેણી અદ્રશ્ય બની છે. એણે પાછા ઉતારા તરફ જવાનો રસ્તો લીધો. કંચને છેક ઉતારે આવ્યા પછી પૂછ્યું : વેણીને કેમ ઢાંકી દેવી પડી? કોનાથી ચમકી ? પેલા છોકરાઓથી?'