ભાભીનો કંઠ પોતે કાન દઈને સાંભળ્યો નહિ હોય, નહિતર કંઈ નહિ તો એ કંઠસ્વરોનું ફરી ફરી શ્રવણપાન કરવા માટે ય પોતે કાંઈક બોલ્યો હોત ને!
જમવા બેઠો ત્યારે 'ચાલો ભાભી ! આજ તો હું બહુ જ ભૂખ્યો છું. પીરસો તો !; એવા મીઠા કંઠે પોતે બોલ્યો.
એને એકાએક ભાન થયું કે પોતે જેને શોધી રહેલ છે તે તો આંહી ઘરમાં જ છે.
વીરસુતનો ચડેલો ચહેરો તે સાંજથી ગોળ હસમુખો બની ગયો, જમતાં જમતાં એણે રસોઈના વખાણ કરવા માંડ્યા, પોતાના ઓરડામાં ટેબલ પર ખાવાનું મગાવી લેનારો પ્રોફેસર રસોડાની સામે પરસાળમાં જ પાટલો ઢળાવતો થયો. ને ભાભે પોતાને જમતા પહેલાં નહાઇ લેવાનું કહી જાય તેનો સ્વીકાર કરી લઈ, પોતે બપોર પછી નહાવાની પોતાની વર્ષોની આદત બદલાવી નાખી.
'ભાઇ!' થોડા દિવસ પછી ભાભી એના ખંડ પાસે આવીને કપાળઢક સાડી રાખી કહેવા લાગ્યાં : 'તમારી ચાવીઓ મૂકતા જશો?'
ચાવીઓ ભાભી શામાટે માગે છે તેનું કારણ તો પૂછવાનું રહ્યું જ નહોતું; એની માગણી જ મીઠા ઉપકાર સમાન હતી. એ દઇને ગયો.
સાંજે આવીને વીરસુત જુએ છે તો એના તમામ ટ્રંકો બહાર તડકામાં ખુલ્લા તપતા હતા ને અંદર અવનવો ચળકાટ મારતા હતા. વીરસુત ઓરડામાં આવીને જુએ તો પલંગ ઉપર એનાં કપડાંની થપ્પીઓ સરખી ઘડ પાડીને ગોઠવાઈ હતી, ને બાજુના એક મેજ પર જે થપ્પી પડી હતી તેમાંના તમામ કપડાં કુથ્થો ખાધેલ, વાંદાએ બગાડેલ, જીવાતે ગંધવી મારેલાં હતાં, ટસરનાં ને ઊનનાં સુંદર સૂટનો ઓટલો વળી ગયો હતો.