પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દિયરની દુઃખભાગી : ૧૫૭


તૂંનવાની વાત પણ ઉચ્ચારી નહિ. સમજતી હતી પોતે-કબાટો જ્યારે ખાલી કરતી હતી ત્યારે પ્રત્યેક કપડું વાતો કહી રહ્યું હતું એને - આ રંગભભકોના અંતસ્તલમાં વહેતી છેલ્લાં બે વર્ષોના લોહીઉકાળાની નદીઓની વાતો; રસિકતાનાં ઉપલાં પડો નીચે પડેલી શુષ્કતાની વાતો; આ સાડી પહેરવી નથી તે પહેરવી છે એવા નાના વાંધાઓ ઉપર મોટા કજિયા મચ્યા હતા તેની વાતો, અમુક ડીઝાઈન તો મદુરાથી પણ વળતી ટપાલે મગાવી આપવાની વાતો, અમુક સાડી તો મુંબઇથી આવ્યે આઠ જ દિવસ થઇ ગયા પછી ફેશન બહાર ચાલી ગયાની વાતો - અર્ધી અર્ધી ને કોઇ કોઇ તો આખી રાતો પર્યંત વરસતાં રહેલાં આંસુડે ભીંજાયેલી સાડીઓની વાતો.... સેંકડો કલેજાંફાડ વાતો !

પોતાના ખંડમાં જઇને વીરસુતે એક વાર તો દેહને સોફા પર ઢગલો કરી દીધો. એક અકથ્ય નિષ્ફળતા-ખરચાય તેટલા પૈસા ખરચીને છેલ્લાં બે વર્ષોના દાંપત્યમાં 'કસૂંબી' પૂરવાના અને ઊઠે તેટલી તમામ ઇચ્છાઓને સંતોષવાના પ્રયત્નોની એક અકથ્ય નિષ્ફળતા તેની રગેરગના તારોને ખેંચી રહી.

બે વર્ષથી ઘરમાં બેઠેલી સ્ત્રીને ઘર પોતાનું લાગ્યું જ નહિ ! ને આ હડધૂત, અપમાનિત, ભયધ્રૂજતી વિધવા ગામડિયણને આ ઘરની એકેય સાડી પહેરવી નથી, આ પોશાક પહેરનાર પુરુષને નિહાળી એકેય રોમાંચ અનુભવવો નથી, છતાં એ કોણ જાણે કયા મમત્વભાવે સાફસુફી કરવા બેઠી હશે !

ઊઠીને એ બહાર આવ્યો. 'ભાભી !' એણે ભારી કોઈ પ્રયોજનપૂર્વક તડામાર વાક્ય ઉચ્ચારી નાખ્યું : ' તમે એમાંથી શા માટે સાડીઓ ન પહેરો ? પહેરો તમે તમારે.'