૧૭૨ : તુલસી-ક્યારો
દિવસ રહીને મને બધી વાતે પરવશતા શીખવી ? હું મારું ગમે તેમ ફોડી લેતાં શીખી ગયો હોત ને ! ફાવે ત્યાં જઈને ખાઇ પી લેત, ફાવે ત્યાં સૂઈ રહેત, ફાવે તે રીતે આનંદ મેળવી લેતે.'
ભદ્રાના ધીરાં ધીરાં પગલાં ખંડની સુંવાળી ફરસબંધીને જોરથી દબાવતાં દબાવતાં ચાલ્યાં ગયાં ને એ પોતાના ખંડમાં પગના અંગુઠા ઉપર ઊભી ઊભી કાન માંડી રહી. વીરસુતના ખંડમાં રૂદન નીચોવાતું હતું.
એકાદ કલાક પછી ધબધબ પગલે વીરસુત એકાએક રસોડાના દ્વાર પર આવ્યો, અને રાંધણું ચડાવતી ભદ્રા એનું આક્રમણકારી સ્વરૂપ જોઇ શકે તે પહેલાં તો એનાં મોંના શબ્દો સંભળાયા:
'તો પછી એમને બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે!'
ભદ્રાએ એ શબ્દો સાંભળ્યાં પછી જ દેરના મોં સામે જોવાની હીંમત કરી. એ મોં પર ગુસ્સો નહોતો; ભય, ચિંતા ને કચવાટ હતાં. એ મોં વીરસુતનું નહોતું રહ્યું, જાણે નાનો દેવુ વીરસુતની મુખમુદ્રામાં પ્રવેશીને અણુએ અણુએ વ્યાપી ગયો હતો.
એટલું બોલી એ ઊભો રહ્યો. એના ચહેરાની નસોમાંથી લાલ લાલ રંગજાને નીંગળતો હતો.
ભદ્રા આભી બની ગઈ હતી તે બદલાઇ જઈને હસું હસું થઇ રહી. 'બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે!' એ વાક્યની ખૂબી તો જો મૂઈ! એક મારી નાનકી અનસુને પણ આંહી ન લાવવા દેનારો આ દેર શું ઘરના બધાંને માટે આંહીં રહેવાની વાત મશ્કરીમાં કરે છે? કે ગંભીરપણે ? કેમ જાણે પોતે સૌને તેડાવી તેડાવી ઊંધો વળી ગયો હોય!