'એક માલિકના હાથમાંથી છૂટીને...'
એટલા બોલ કંચનથી બોલી જવાયા. પણ એ વાક્ય ભાસ્કરે કાં સાંભળ્યું નહિ ને કાં સૂણ્યું નહિ ને સૂણ્યું અણસૂણ્યું કર્યું. બાકીની ટપાલ એણે વાંચી, જવાબો લખ્યા. વાંચી લીધેલા કાગળો, પોતે જાણે કશુંક રચનાત્મક કાર્ય કરી રહ્યો હોય તેટલી ઠાવકાઇ, સુઘડતા, સફાઇથી સરખે ટુકડે ફાડ્યા, એ ફાડેલા કાગળોની ગુલાબી, વાદળી તેમ જ સફેદ રંગની ઝીણી ઝીણી કચૂંબરનો ઢગલો પોતે એકાગ્ર દૃષ્ટે જોઈ રહ્યો. અને તે દિવસે જેમની જેમની સાથે વાતચીતો કરવાનો પ્રસંગ આવ્યો તે બધાને એણે જાણે કે અજાણે, બીજી ભિન્ન ભિન્ન વાતોમાંથી એક જ વાત પર લીધા, કે 'ભાઈ જીવનમાં મોટામાં મોટો પ્રશ્ન ગોઠવાઈ જવાનો છે, ને જીવનનું જો કોઈ રૌરવ નરક હોય તો તે ગોઠવાઈ ગયા હોવાની ભ્રાંતિમાં પડ્યે પડ્યે વણગોઠવાયેલ દશાની બેહાલી ભોગવ્યે જવામાં છે.'
એકલાં પડ્યાં પછી ભાસ્કરને કંચને કહ્યું, 'તમે કેમ મને દરેક માણસ સાથેની વાતોમાં એનાં એ જ ટોંણા માર્યા કરો છો? મારે એ બાબત સાથે શો સંબંધ છે? મારે ને એ બંગલાને શું...?
'મેં ક્યારે ટોણાં માર્યાં? ને તું પણ કેમ વારંવાર એનું એ પોપટ-વાક્ય પઢ્યા કરે છે?'
'હું ક્યારે પઢી ? મારો એવો ક્યો સંબંધ...'
'જો, જો, બોલી કે નહિ?'
કંચનને તે વખતે તો બહુ ચીડ ચડી. પણ પછી પોતાને ઊંઘ નહોતી આવતી ત્યારે પહેલું ભાન એ થયું કે પોતે જે સંબંધમાંથી મુક્તિ મળી ગઇ માને છે તે સંબંધ જાણે કે એના પગમાં વેલો બનીને અટવાતો થયો છે. રાતે એની આંખો મળી ત્યારે એને