થયું કે વીરસુતનાં મનીઓર્ડરોની અનિયમિતતા એકાએક મટી જવાનું કશુંક કારણ અમદાવાદના એ બંગલામાં બન્યું હોવું જોઈએ; તે સાથે બીજું પણ એક ભાન ઊઘડતું હતું કે પોતાની આજીવિકા પોતે હજુ રળી લેતી નથી થઈ. ત્રીજું ભાન એ થયું કે પોતાનો રક્ષણહાર ભાસ્કર પણ પરોપજીવી જીવડો જ બનીને પડ્યો છે.
'ચાલો આપણે એકવાર અમદાવાદ જઈ આવીએ.' કંચને વારંવાર વાત મૂકવા માંડી. ને દરેકે વખતે ભાસ્કર 'તું નાદાની કાં કરે છે!' એ જ બોલ બોલવા લાગ્યો. એક વાર તો એણે કહ્યું 'તારા કાકા પાસે આંટો જઇ આવ, જા હું આડો નહિ પડું.'
કાકા પાસે જવાની જે ઝંખના આટલા મહિના સુધી રોજેરોજ ભાસ્કરના શબ્દમાં ચાંભા (ડામ) ખાઈ ખાઈને લોહીલોહાણ પડી હતી, એ ઝંખનાને આજે ભાસ્કરની રજા મળવાની સાથે જ અવસાન મળ્યું. હવે આફ્રિકા નથી જવું, હવે તો જવું છે અમદાવાદ.
'ચાલો અમદાવાદ !' ની આ મોંપાટ ભાસ્કરને અસહ્ય થઈ પડી. 'ચાલો અમદાવાદ !' નો નાદ શા કારણે ઊપડ્યો હતો તે એને સમજાયું. ભાસ્કરને પોતાની ભૂલ માલુમ પડી. કંચનની ટપાલ ઉપર ચોકી રાખનારા ભાસ્કરે એક ગફલતનું ગડથોલું ખાધું. એણે કંચનને જે કાગળ નહોતો દેવો જોઇતો તે વાંચવા દીધો. કંચનને અમદાવાદ જવાની ધૂન પોતાનાં કપડાં લતાં ને દરદાગીના હાથ કરવાની છે એટલું જ પોતે સમજી શક્યો. પોતાને શિરે જ એ કામનો બોજો આવી પડ્યો. કંચન નહોતી સ્પષ્ટ કરતી છતાં સ્વયં-સ્પષ્ટ એ બાબત હતી. અમદાવાદ જતી ટ્રેનમાં બેઠાં બેઠાં એણે કંચનને કહ્યું, 'તું ભલેને છુપાવે, પણ તારો જીવ એ ટ્રંકો કબાટો પર ગયો છે. પણ જોઈ લેજે, ભાસ્કર એ તારાં લૂગડાં ને ઘરેણાં તને જોતજોતામાં